ઈન્દોરના બિઝનેસમેનને એક્ટિવા પર જતા જતા ….
ઈન્દોરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ઈન્દોરના કરિયાણાના વેપારીને એક્ટિવા પર બેસીને જતી વખતે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થતા ચકચાર જાગી છે. ત્યાં હાજર લોકોએ તેમને સી.પી.આર. આપવાની કોશિશ કરી હતી, પણ કોઈ જવાબ ન મળતાં તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
ઇંદોર ખાતે ઉષા નગરમાં રહેતા અને બ્રોકર એસોસિએશનના ઉપપ્રમુખ પંકજ ગાડિયા જૈન (55)ની સિયાગંજમાં દુકાન છે. તેઓ દુકાનેથી એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. થોડા સમય પછી, તેમણે કંઇક ખરીદવા માટે એક દુકાન પર તેમની એક્ટિવા રોકી. તેઓ એક્ટિવાને સાઈડ સ્ટેન્ડ પર મૂકે તે પહેલા જ તેમને હાર્ટ એટેક આવ્યો અને એક્ટિવાની સાથે નીચે પડી ગયા હતા.
એ સમયે આજુબાજુ રહેલા લોકોને પહેલા તો કંઇ સમજાયું નહીં, પણ બાદમાં ગંભીર પરિસ્થિતિનો અંદાજ આવી જતા, તેમણે સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. વેપારીને તુરંત ગોકુલદાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઈન્દોરમાં 21 દિવસમાં હાર્ટ એટેકથી આ ત્રીજું મોત છે.
તબીબોનું કહેવું છે કે ઠંડીમાં ઓછા તાપમાનને કારણે લોહીની ધમનીઓ સંકોચાઈ જાય છે. તેના કારણે શરીરમાં લોહીનો પ્રવાહ પ્રભાવિત થાય છે અને તે હૃદય સુધી યોગ્ય રીતે પહોંચી શકતું નથી. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. શિયાળાની ઋતુમાં હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા પણ વધી જાય છે.