નેશનલ

પ્રદૂષિત પાણીના ફફડાટ વચ્ચે હવે જીબીએસ સિન્ડ્રોમે વધારી ચિંતા, જાણો બીમારીના લક્ષણો

ગુજરાત સહિત મધ્ય પ્રદેશમાં હાલ પ્રદૂષિત પાણીને લઈ ગંભીર સંકટો સામે આવતા જોવા મળી રહ્યા છે. ડિસેમ્બર 2025ના અંતિમ સપ્તાહથી શરૂ થયેલો દૂષિત પાણીનો પુરવઠો હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ખરાબ પાણીને કારણ ગુજરાતના પાટ નગર ગાંધીનગર અને મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોલેરા અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં ઉછાળો આવ્યો છે, જ્યારે ઈન્દોરમાં સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં 14થી 15 લોકોના મોત આ સંક્રમણને કારણે થયા છે, જેમાં એક પાંચ મહિનાના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. સેંકડો લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ વચ્ચે ઈન્દોર શહેરના ભાગીરથપુરા વિસ્તારમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર જોવા મળી રહી છે. અહીં સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને હવે તે બાળકોને પણ શિકાર બનાવી રહ્યું છે. આ આફતની વચ્ચે ‘ગિલિયન-બેરે સિન્ડ્રોમ’ (GBS) નામની દુર્લભ બીમારીએ વહીવટીતંત્ર અને પ્રજાની ઊંઘ ઉડાડી દીધી છે. રિપોર્ટ્સ મુજબ, આ વિસ્તારની એક 67 વર્ષીય વૃદ્ધામાં આ ખતરનાક સિન્ડ્રોમના લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં તે મહિલા વેન્ટિલેટર પર છે અને તેની કિડની પણ ફેઈલ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જોકે વહીવટીતંત્ર હજુ પણ GBS ના કેસ હોવાનો ઈન્કાર કરી રહ્યું છે.

આ પણ વાંચો : દૂષિત પાણીનો ખતરો: ઇન્દોર અને ગાંધીનગરની ઘટનાઓથી ચેતવા જેવું, જાણો બચવાના ઉપાયો…

શું છે આ ગિલિયન-બેરે સિન્ડ્રોમ (GBS)

ગિલિયન-બેરે સિન્ડ્રોમએ એક ‘ઓટો ઈમ્યુન’ રોગ છે, જે સીધો નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર પર હુમલો કરે છે. આ બીમારીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાની જ નસોને નુકસાન પહોંચાડવા લાગે છે. આને કારણે દર્દીના હાથ-પગમાં નબળાઈ આવવી, શરીર સુન્ન થઈ જવું કે લકવો મારવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. તબીબી નિષ્ણાતો આ બિમારીને ‘મેડિકલ ઇમરજન્સી’ માને છે, કારણ કે જો સમયસર સારવાર ન મળે તો શ્વસનતંત્ર ઠપ્પ થઈ શકે છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

નિષ્ણાતોના મતે આ બીમારી ચોક્કસ કયા કારણોસર થાય છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે ઘણીવાર બેક્ટેરિયલ અથવા વાયરસના સંક્રમણ પછી જોવા મળે છે. ખાસ કરીને ‘કેમ્પિલોબેક્ટર’ નામના બેક્ટેરિયા, જે દૂષિત ખોરાક કે પાણીમાં હોઈ શકે છે, તે આ રોગને ટ્રિગર કરી શકે છે. આ સિવાય ઈન્ફ્લુઅન્ઝા કે હિપેટાઈટીસ જેવા વાયરસ પણ GBS થવાનું કારણ બની શકે છે. આ રોગમાં નસોનું રક્ષણાત્મક પડ નષ્ટ થઈ જાય છે, જેનાથી મગજ સુધી સંકેતો પહોંચવામાં અવરોધ ઉભો થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button