નેશનલ

દેશના સ્વચ્છ શહેરમાં જ ગંદુ પાણી પીવાથી 9ના મોત! એક લીકેજે આખું શહેર હચમચાવ્યું

ઈન્દોર: સતત આઠ વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીતતા ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલટીનો ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભગીરથપુરા વિસ્તારમાં ફેલાયેલા આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હોવાનો દાવો સ્થાનિક લોકો કરી રહ્યા છે, પર તંત્રએ તો માત્ર 4 મોતની જ પૃષ્ટી કરી છે. ૧૪૦૦થી વધુ લોકો બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. જો કે હવે લેબોરેટરી રિપોર્ટમાં પુષ્ટિ થઈ ચૂકી છે કે પીવાના પાણીની લાઈનમાં ગંદકી ભળવાને કારણે આ જીવલેણ સ્થિતિ સર્જાઈ છે.

તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો ચોંકાવનારી છે. શહેરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, ભગીરથપુરા વિસ્તારમાં પોલીસ ચોકી પાસેની મુખ્ય પાણીની પાઈપલાઈનમાં લીકેજ મળી આવ્યું હતું. સૌથી ગંભીર બાબત એ છે કે જે જગ્યાએ લીકેજ હતું, ત્યાં ઉપર શૌચાલય બનાવવામાં આવ્યું હતું, જેના કારણે ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયું હતું. સ્થાનિક લોકોએ અગાઉ પણ દૂષિત પાણી અંગે ફરિયાદો કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા, જેને પગલે હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.

આ ઘટના બાદ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે સ્થિતિને ઈમરજન્સી જેવી ગણાવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. અધિક મુખ્ય સચિવ સંજય દુબેએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સમગ્ર રાજ્ય માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવશે. તંત્ર દ્વારા હાલ પાઈપલાઈન રિપેર કરવામાં આવી છે અને લોકોને સાવચેતીના ભાગરૂપે પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.

આ ઘટના બાદ આરોગ્ય વિભાગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. તંત્ર દ્વારા ૧,૭૧૪ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને હળવા લક્ષણો ધરાવતા ૩૩૮ લોકોને ઘરે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલના આંકડા મુજબ, ૨૦૧ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી ૩૨ દર્દીઓ ગંભીર હાલતમાં ICUમાં છે. સ્વચ્છતામાં નંબર વન ગણાતા શહેરમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ શહેરની જળ વિતરણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો…દૂષિત પાણી અંગેનો સવાલ ઈન્દોરના MLAને ફાલતુ લાગ્યો: પત્રકાર સાથે કર્યું અભદ્ર વર્તન, વીડિયો થયો વાયરલ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button