
શિલોંગ: ઇન્દોરના વેપારી રાજા રધુવંશીના બહુચર્ચિત હત્યા કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં રાજાની હત્યા બાદ તેની પત્ની સોનમે રાજાને ખાઈમાં ફેંકવા માટે મદદ કરી હતી. તેમજ તેની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ચપ્પુને સ્થળ પર ઉગેલા ઘાસથી સાફ કર્યું હતું. તેની બાદ ચપ્પુને ખાઈના ફેંકી દીધું હતું. જેનો પોલીસે ક્બજો લીધો છે.
પોલીસ ટૂંક સમયમાં આરોપ પત્ર દાખલ કરશે
આ કેસમાં સોનમ રધુવંશી સહિત પાંચ આરોપીઓ સામે કોર્ટમાં આરોપો ફ્રેમ કરવામાં આવ્યા છે. તેમજ ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે. હત્યા બાદ સોનમે પોતાનું એક જેકેટ કાઢીને એક આરોપીને આપ્યું. આ આરોપીએ બાદમાં જેકેટ હત્યા સ્થળેથી ત્રણ કિલોમીટર દૂર ખાડામાં ફેંકી દીધું. આ દરમિયાન પુરાવાનો નાશ કરનારા ત્રણ આરોપીઓ સામે પોલીસ ટૂંક સમયમાં આરોપ પત્ર દાખલ કરશે.
પ્રોપર્ટી બ્રોકર શિલોમ જેમ્સે સોનમની પિસ્તોલ ગટરમાં ફેંકી દીધી
રાજા રઘુવંશીની હત્યાના કેસમાં પાંચ આરોપીઓ જેલમાં છે. પુરાવાનો નાશ કરીને મુખ્ય આરોપીને મદદ કરનારા ત્રણ આરોપીઓ હાલમાં જામીન પર છે.શિલોંગ પોલીસ તેમની સામે પૂરક આરોપ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. રાજ કુશવાહ માટે ફ્લેટની વ્યવસ્થા કરનાર પ્રોપર્ટી બ્રોકર શિલોમ જેમ્સે સોનમની પિસ્તોલ ગટરમાં ફેંકી દીધી અને ખાલી પ્લોટ પર બેગ સળગાવી દીધી. તેમજ ગાર્ડ અને મકાનમાલિકે પણ મદદ કરી. શિલોંગ પોલીસે ત્રણેય આરોપીઓ સામે પુરાવા પણ એકત્રિત કર્યા.



