મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે ૮૪ સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સપ્તાહના અંતે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહેતાં હાજર ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
ગઈકાલે સરકારે વિવિધ આયાતી તેલના ટેરિફમાં વધારો કર્યો હોવાથી સ્થાનિક સ્તરે અસરકારક જકાતમાં વધારો થયો છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ક્રૂડ પામતેલની ટેરિફ જે ટનદીઠ ૧૦૮૦ ડૉલર હતી તે વધારીને ૧૧૧૯ ડૉલર, આરબીડી પામ ઑઈલની ટેરિફ વૅલ્યૂ જે ટનદીઠ ૧૦૮૧ ડૉલર હતી તે વધારીને ૧૧૨૭ ડૉલર, આરબીડી પામોલિનની ટેરિફ વૅલ્યૂ જે ટનદીઠ ૧૦૮૮ ડૉલર હતી તે વધારીને ૧૧૩૨ ડૉલર અને ક્રૂડ ડિગમ સોયાબીન તેલની ટેરિફ વૅલ્યૂ જે ટનદીઠ ૧૦૮૭ ડૉલર હતી તે વધારીને ૧૧૧૭ ડૉલર નિર્ધારિત કરી છે.
વધુમાં ઈન્ડોનેશિયન સરકારે આગામી ડિસેમ્બર મહિના માટે ક્રૂડ પામતેલના રેફરન્સ રેટ જે ટનદીઠ ૯૬૧.૯૭ ડૉલર હતા તે વધારીને ૧૦૭૧.૬૭ ડૉલર નિર્ધારિત કર્યા હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું.
તાજેતરમાં કાર્ગો સર્વેયર એએમપીએસઈસી દ્વારા સંકલિત કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. ૧થી ૩૦ નવેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા ઑક્ટોબર મહિનાના ૧૫,૮૧,૧૧૮ ટન સામે ૧૦ ટકા ઘટીને ૧૪,૧૭,૪૩૬ ટનના સ્તરે રહી હોવાનું જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં ગોલ્ડન એગ્રીના રૂ. ૧૪૦૦ અને રિલાયન્સ રિટેલના રૂ. ૧૪૨૨ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો અને માત્ર સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપાર થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Also Read – સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ૨૫ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૭૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૨૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૯૦, સિંગતેલના રૂ. ૧૪૮૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૩૦ અને સરસવના રૂ. ૧૪૦૦ના મથાળે રહ્યાના અહેવાલ હતા.