જમ્મુના નરલામાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ…

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતે આવેલા નરલામાં આતંકવાદી હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. આતંકવાદીઓ અને સેના વચ્ચે જોરદાર જંગ છેડાઈ ગઈ છે.
મળી રહેલી માહિતી પ્રમાણે અહીંયા આતંકવાદી છુપાયેલા હોવાની માહિતી મળતાં જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાના જવાનોએ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો. પોતે ઘેરાઈ ગયા હોવાની માહિતી મળતાં જ આતંકવાદીઓએ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં ભારતીય સુરક્ષા દળ દ્વારા પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
જમ્મુ રિજનના એડીજીપી મુકેશ સિંહે આ મુઠભેડ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુના રાજૌરી જિલ્લામાં આવેલા નરલા વિસ્તારમાં આ આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ સેનાના જવાનોએ પણ જવાબમાં ફાયરિંગ કર્યું હતું.
બીજા એક અધિકારીએ પણ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આતંકવાદીઓનું એક ગ્રુપ રાજૌરી જિલ્લાના નરલા વિસ્તારમાં ફસાયેલો છે અને બંને બાજુથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફાયરિંગમાં બંને પક્ષે હજી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાની માહિતી નથી મળી રહી.