દાદી ઈન્દિરા ગાંધીને યાદ કરી રાહુલે તેલંગણામાં કરી આ ઈમોશનલ અપીલ
પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેલંગણાની ચૂંટણી 30મીએ છે ત્યારે આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ તેલંગણાના મતદારોને ઈમોશનલ અપીલ કરી હતી. રાહુલે હૈદરાબાદ ખાતેની સભામાં કહ્યું કે હું અને મારી બહેન તેલંગાણા માટે દિલ્હીમાં સૈનિક છીએ. તમારે કંઈપણ જોઈતું હોય તો મને અને મારી બહેનને આદેશ આપો, અમે હાજર રહીશું. અમે તેલંગાણાના લોકો માટે જે પણ કરી શકીએ છીએ તે કરીશું. કારણ કે જ્યારે ઈન્દિરા ગાંધીજીને જરૂર હતી ત્યારે તેલંગાણાના લોકોએ તેમને સાથ આપ્યો હતો અને મદદ કરી હતી. અમે આ ક્યારેય ભૂલી શકતા નથી. આ રીતે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષએ લોકોને ભાવનાથી પણ જોડવાની કોશિશ કરી હતી.
ગાંધીએ કેસીઆરની ટીકા પણ કરી હતી અને તેમના પર તેમ જ ભાજપ પર આક્ષેપો પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે બીઆરએસ, ભારતીય જનતા પાર્ટી (BJP) અને અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી એઆઈએમઆઈએમ સાથે મળીને કામ કરી રહી છે. કેસીઆરએ સંસદમાં મોદી સરકારનું સમર્થન કર્યું હતું. તેમણે ફરી એવો આક્ષેપ કર્યો હતો કે કેસીઆરની સરકાર ભ્રષ્ટ હોવા છતાં ઈડી, સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સી તેની પાછળ લગાડવામાં આવતી નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે જો દિલ્હીમાં નરેન્દ્ર મોદીને હરાવવા હોય તો પહેલા તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ભારતીય રાષ્ટ્રીય સમિતિ (BRS)ને હરાવવા જરૂરી છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે એઆઈએમઆઈએમના વડા ઓવૈસીની પણ ટીકા કરી અને પૂછ્યું કે તેમની સામે કેટલા કેસ છે. ઈડી અને સીબીઆઈ જેવી એજન્સીઓ હંમેશા તેમની પાછળ હોય છે તેવો દાવો કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું કોઈ એજન્સી ઓવૈસીની પાછળ છે? રાહુલ ગાંધીએ કહ્યું, “પ્રશ્ન ઉભો થાય છે કે ઓવૈસી સામે કોઈ કેસ કેમ નથી, અને જવાબ એ છે કે તેમનો પક્ષ કૉંગ્રેસને નુકસાન પહોંચાડવા ઉમેદવારો ઊભા કરે છે.