નેશનલ

રાંચી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ટેલ સ્ટ્રાઇક, 70 મુસાફરોનો આબાદ બચાવ

ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી વિમાની દુર્ઘટના ટળી હોવાના સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે સાંજે જ્યારે ભુવનેશ્વરથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરાણ કરી રહી હતી, ત્યારે અચાનક વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો હતો. આ ઘટનાને કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જોકે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ અનુસાર, આ ઘટના શુક્રવારે સાંજે અંદાજે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. લેન્ડિંગ દરમિયાન વિમાનની ટેઈલ રનવે સાથે અથડાતા જોરદાર ઝટકો અનુભવાયો હતો. વિમાનની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ક્રૂ મેમ્બર્સે સમયસૂચકતાને કારણે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું કે, ટેલ સ્ટ્રાઇક બાદ તરત જ વિમાનની ટેકનિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

આપણ વાચો: Video: ન્યૂયોર્કના એરપોર્ટ ડેલ્ટા એરલાઈન્સના બે વિમાનો અથડાયા, એકની પાંખ તૂટી

ટેકનિકલ તપાસમાં વિમાનમાં નુકસાન જોવા મળતા તેને ઉડાન માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના કડક ધોરણોને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પ્રશાસને વિમાનને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડ કરી દીધું છે. એરલાઇન્સના નિષ્ણાતોના મતે ટેલ સ્ટ્રાઇક એ ગંભીર બાબત છે અને તેની સંપૂર્ણ તપાસ વગર વિમાનને ફરીથી હવામાં ઉડાવવું જોખમી સાબિત થઈ શકે છે.

આ અકસ્માતને કારણે રાંચીથી ભુવનેશ્વર જતી પરત ઉડાન રદ કરવી પડી હતી, જેનાથી ઘણા મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા કેટલાક મુસાફરોને રોડ માર્ગે ભુવનેશ્વર મોકલવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ પોતાની ટિકિટ રીશેડ્યુલ કરાવી હતી.

હાલમાં એરલાઇન્સ અને એરપોર્ટ ઓથોરિટી તપાસ કરી રહી છે કે આ ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી કે કોઈ ટેકનિકલ ખામી કે પાઇલટની ભૂલને લીધે થઈ તેની તપાસ શરૂ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button