ઈન્ડિગોની ફ્લાઈટમાં ધાંધિયાઃ ઈસ્તંબુલ એરપોર્ટ પર 400થી વધુ પ્રવાસી ફસાયા
નવી દિલ્હીઃ ઈન્ડિગોની સિસ્ટમ ફરી એક વાર ઠપ્પ થઈ ગઈ હતી, જેને કારણે તુર્કીના ઇસ્તાંબુલથી દિલ્હી, મુંબઇ આવી રહેલા 400 મુસાફરો ઈસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાકથી વધુ સમયથી ફસાયા હોવાની માહિતી મળી હતી. એક પેસેન્જરે પૂછેલા સવાલના જવાબમાં એરલાઈને કહ્યું હતું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ મોડી પડી હતી.
ઇન્ડિગોના કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે ફ્લાઇટ પહેલા મોડી પડી હતી અને બાદમાં કોઈપણ સૂચના વિના રદ કરવામાં આવી હતી.
મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમને ન તો રહેવાની કોઈ સગવડ આપવામાં આવી હતી કે ન તો ભોજન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ઈન્ડિગોના કોઈ કર્મચારીએ મુસાફરોનો સંપર્ક પણ કર્યો ન હતો.
આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “અમને કહેવામાં આવ્યું હતું કે અમને વળતર તરીકે ઈસ્તાંબુલ એરપોર્ટ પર લાઉન્જની સગવડ મળશે, પણ આટલા બધા પ્રવાસીઓની સંખ્યા સામે લાઉન્જનો વિસ્તાર ઘણો જ નાનો હતો. લોકોએ કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું. એરલાઇને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા પણ કરી નહોતી. અમને કોઇ માહિતી પણ આપવામાં આવી નહોતી”
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, એરહેલ્પ સ્કોર રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવ્યો હતો, તેમાં 109 એરલાઇન્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિગો એરલાઇન્સને તેમણે 103મું સ્થાન આપ્યું હતું. રિપોર્ટમાં એર ઈન્ડિયાને 61મું અને એરએશિયાને 94મું સ્થાન આપવામાં આવ્યું હતું. આમ એક સમયની ટોપની ગણાતી ઇન્ડિગો એરલાઇન્સની સેવા હવે ઘણી કથળવા માંડી છે અને વિશ્વની સૌથી ખરાબ એરલાઇન્સમાં સ્થાન પામી રહી છે.