દિલ્હીથી ઈમ્ફાલ જતી ઇન્ડિગોની ફ્લાઈટ ટેક-ઓફ બાદ પરતઃ 12 કલાકમાં બીજી ઘટના…

નવી દિલ્હી: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછી વિમાનોમાં ટેક્નિકલ સમસ્યાઓના કિસ્સાઓ વધી રહ્યાં છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ ખાતેથી ટેક-ઓફ થયેલા વિમાનને ફરી એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હોવાનું વિમાનમાં સવાર એક પ્રવાસીએ માહિતી આપી હતી.
ટેક્નિકલ ખામીથી વિમાન એરપોર્ટ પર પરત
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હીથી ઈમ્ફાલ જઈ રહેલા વિમાનમાં ડૉ. સુવરકોમલ નામની એક વ્યક્તિ આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી. ડૉ. સુવરકોમલે જણાવ્યું હતું કે કોઈ ટેક્નિકલ ખામીના કારણે વિમાન એરપોર્ટ પર પરત ફરી રહ્યું છે. દિલ્હી એરપોર્ટ પર સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હવે વિમાનને ફરીથી ટેક-ઓફ કરાવવાની તૈયારીઓ થઈ રહી છે.
આજે સવારે ટેક-ઓફ થઈ હતી ફ્લાઈટ
આજે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી ઇન્ડિગોનું એક વિમાન ઇમ્ફાલ જવાનું હતું. સવારે 10.34 વાગ્યે વિમાને દિલ્હી એરપોર્ટ પરથી મણિપુર જવા માટે ટેક-ઓફ કર્યું હતું. પરંતુ ટેક-ઓફ બાદ તેને ફરીથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
12 કલાકમાં બીજી ટેક્નિકલ ખામીની ઘટના
ઉલ્લેખનીય છે કે, વિમાનને એરપોર્ટ પર પાછુ કેમ ઉતારવામાં આવ્યું? એ અંગે ઇન્ડિગોએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ગઈકાલે પણ દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી. જેથી તેનું મુંબઈ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.