ઈન્ડિગો સંકટ: ભાઈનો મૃતદેહ પહોંચ્યો પણ પરિવાર મુંબઈ એરપોર્ટ પર ફસાયો, કેવી લાચારી?

મુંબઈ: DGCAના નવા નિયમોને કારણે ઈન્ડિગોની ઘણી ફ્લાઈટ્સ રદ થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે મુંબઈ સહિત પુણે એરપોર્ટ પરથી ઈન્ડિગોની સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. કેટલાક મુસાફરો ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હતા, તો કેટલાક ઓફિસના કામે જઈ રહ્યા હતા તો કેટલાકના ઘરે ઇમર્જન્સી હતી, પરંતુ આ બધા કિસ્સામાં એક ચોંકાવનારો હતો. એરપોર્ટ પર એક મુસાફર મળી આવ્યો જેના ભાઈનું મૃત્યુ થયું હતું. મૃતદેહ બીજી ફ્લાઇટ દ્વારા કોલકાતા પહોંચી ગયો હતો, પરંતુ તેના પરિવારના સભ્યો મુંબઈમાં અટવાઈ ગયા હતા.
મુસાફરોનું કહેવું છે કે તેમને સાચી માહિતી આપવામાં આવી રહી નથી અને તેમની ફ્લાઇટ્ ક્યારે રી-શેડ્યૂલ કરવામાં આવશે તે પણ જણાવતા નથી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્માં આવતા મુસાફરોને તેમના સામાન વિશે પણ માહિતી આપવામાં આવી રહી નથી. મુંબઈથી કોલકાતા જતા અનુરાગ ઝુનઝુનવાલા નામના મુસાફરે કહ્યું હતું કે તેમના દીકરાની સ્કૂલમાં 12 વાગ્યે કાર્યક્રમ હતો પણ હવે તે સમયસર નહીં પહોંચી શકે.
આ પણ વાંચો : ઇન્ડિગોના સીઇઓએ માફી માંગી, કહ્યું સ્થિતી સામાન્ય કરવા ત્રિ-સ્તરીય રણનીતિ અમલી
કેન્સરગ્રસ્ત પિતા સાથે એરપોર્ટ પર મુશ્કેલીમાં
મુંબઈથી પટના જવા માટે ફ્લાઇટની રાહ જોતા કુમાર ગૌરવે કહ્યું કે તે તેના કેન્સરગ્રસ્ત પિતાની સારવાર કરાવવા માટે મુંબઈ આવ્યો હતો. હવે, પિતાને લઈને પટના જવા માંગે છે, પરંતુ તેની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે 3 વાગ્યે બોસ્ટનથી મુંબઈ પહોંચેલા રોહિતે કહ્યું કે તે હૈદરાબાદ જવા માંગતો હતો, પરંતુ તેની હૈદરાબાદની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સામાન પણ હજુ સુધી મળ્યો નથી.
ઈન્ડિગોએ ગઈકાલે ફ્લાઇટ રદ કરવા માટે ટેકનિકલ ખામી, ખરાબ હવામાન, ભીડનું દબાણ અને ક્રૂની અછતને કારણો ગણાવ્યા હતા, પરંતુ વાસ્તવિક સમસ્યા DGCAના નવા નિયમની હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 1 નવેમ્બરથી નવી રોસ્ટર સિસ્ટમ લાગુ કરી હતી. ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ઇન્ડિગો મુદ્દો સંસદમાં ગાજયો, સાંસદે કહ્યું મત વિસ્તારમાં પહોંચવામાં મુશ્કેલી
આ નિયમો પાઇલટ્સ અને ક્રૂ સભ્યોને આરામ આપવા માટે લાગુ કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ લાગુ થયા પછી, ઇન્ડિગોએ નવેમ્બરમાં જ 1232 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી કારણ કે ફ્લાઇટ્સની સંખ્યા વધુ હતી અને પાઇલટ ક્રૂ મેમ્બર્સની સંખ્યા ઓછી હોવાના કારણે, ઇન્ડિગોને તેનું સમયપત્રક બનાવવામાં મુશ્કેલી પડી રહી છે અને તેથી તેણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
દરમિયાન પુણે એરપોર્ટ પર પણ અનેક ફ્લાઈટ રદ થવાથી પ્રવાસીઓએ હંગામો કર્યો હતો. પુણે એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા તેણે મુસાફરોની અવરજવરનું સંચાલન કરવા માટે વધારાનો સ્ટાફ તૈનાત કર્યો છે અને તમામ વિભાગોમાં સંકલન મજબૂત બનાવ્યું છે. શુક્રવારે મધ્યરાત્રિથી સવારે 8 વાગ્યા સુધી, કુલ 16 ઇન્ડિગો અરાઈવલ ફ્લાઇટ્સ અને 16 ઇન્ડિગો ડિપાર્ચર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL)ને કારણે નાગપુર-પુણે ફ્લાઇટને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. અન્ય એરલાઇન્સની કામગીરી સામાન્ય રહી, એમ તેમણે ઉમેર્યું.
આ પણ વાંચો : પુતિનની મુલાકાત વચ્ચે રશિયાએ તમિલનાડુના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં પહોંચાડ્યું ન્યૂક્લિયર ફ્યુઅલ…



