લખનઉ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ; ડીમ્પલ યાદવ સહિત નેતાઓ સવાર હતાં

લખનઉ: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતનું એવિએશન સેક્ટર સતત ચર્ચામાં રહ્યું છે. વિમાનમાં ખામી સર્જાવાના સમાચાર અવારનવાર મળતા રહે છે. એવામાં ગઈ કાલે ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર એક ભયાનક દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અકસ્માતનો ભોગ બનવાની તૈયારીમાં હતું, પરંતુ પાયલોટની સમય સુચકતાને કારણે તમામ 151 મુસાફરો જીવ બચી ગયા. આ ફ્લાઈટમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ પણ સવાર હતા.
અહેવાલ મુજબ ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ રન લીધા બાદ ટેકઓફ કરી શકી ન હતી. પાયલોટની સતર્કતાને કારણે વિમાન રનવે છેડા પાસે જ રોકાઈ ગયું હતું. જેને કારને એક ભયંકર અકસ્માત સર્જાતા રહી ગયો.
આ ફ્લાઇટમાં સમાજવાદી પાર્ટી (સપા) ના સાંસદ ડિમ્પલ યાદવ, ભૂતપૂર્વ પ્રધાન પંડિત સિંહના ભત્રીજા અને સપા નેતા સૂરજ સિંહ સહિત કેટલાક રાજકીય આગેવાનો સવાર હતાં.
ફ્લાઇટને પૂરતો થ્રસ્ટ ના મળ્યો:
અહેવાલ મુજબ બપોરે 2.30 ટેક ઓફ કરવા માટે ફ્લાઇટ સવારે 11 વાગ્યે રનવે પર પહોંચી હતી. ફ્લાઈટ પહેલા તમામ ટેસ્ટ કર્યા બાદ ટેક ઓફ માટે મંજુરી આપવામાં આવી. મુસાફરો સવાર થયા બાદ વિમાને ગતિ પકડી એવામાં પાયલોટને એક અસામાન્ય અવાજ સંભળાયો. વિમાનને પૂરતો થ્રસ્ટ ના મળ્યો, જેના કારણે તે ટેક ઓફ ના કરી શક્યું. પાઈલોટે તરત જ બ્રેક લગાવી અને વિમાન રનવેના છેડાથી થોડા મીટર પહેલા થોભી ગયું
કારણો જાણવા માટે તપાસ થશે:
લખનઉ એરપોર્ટના ડિરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું કે ઘટના બાદ તુરંત જ રનવેની તપાસ કરવામાં આવી હતી અને તમામ સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું કે મુસાફરોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે. કેપ્ટને તુરંત લેધેલા પગલાને કારણે સંભવિત જોખમ ટળી ગયું. મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ્સ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.
ઇન્ડિગો એરલાઇન્સે ઘટના પાછળના કારણો તપાસનો પણ આદેશ આપ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.