એરપોર્ટ પર સામાનના ઢગલા, મુસાફરો જમીન પર સૂવા-મજબૂર, ઇન્ડિગો સામે સુત્રોચ્ચાર

મુંબઈ: દેશની સૌથી મોટી એરલાઈન્સ ઇન્ડિગો હાલ ગંભીર ઓપરેશનલ સમસ્યામાંથી પસાર થઇ રહી છે, ગઈ કાલે ગુરુવારે દેશભરમાં ઇન્ડિગોની 600 જેટલી ફ્લાઈટ્સ રદ થઇ હતી. જેને કારણે દેશના વિવિધ એરપોર્ટસ પર હજારો મુસાફરો રઝળી પડ્યા છે, મુસાફરો કલાકો સુધી ફ્લાઈટ્સની રાહ જોતા રહ્યા. એરપોર્ટસ પર ભીડભાડ અને અવ્યસ્થાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. હેરાનગતિ બદલ મુસાફરો એરલાઇન સામે રોષ ઠાલવી રહ્યા છે.
અહેવાલ મુજબ કેટલાક મુસાફરોને ખોરાક અને પાણીવગર કલાકો સુધી એરપોર્ટ પર રહેવું પડ્યું. એરપોર્ટ પર કેટલાક મુસાફરો ફ્લોર પર સુતેલા જોવા મળ્યા. એરપોર્ટ પર ટ્રોલી બેગ, સુટકેસ અને અન્ય સમાનનો ખડકલો જોવા મળી રહ્યો છે.
ઇન્ડિગો કાઉન્ટર ખાલી પડેલા છે, ફ્લાઈટ્સની સ્થિતિ અંગે કોઈ ચોક્કસ જાણકારી આપવામાં નથી આવી રહી. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર એરલાઇન્સ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
મુસાફરોને મોટું નુકશાન:
અરુણ પ્રભુ દેસાઈ નામના એક X યુઝરે એક વિડીયો પોસ્ટ કરી લખ્યું, “ઈન્ડીગોને શરમ આવવી જોઈએ કરો, વર્ષની મારી સૌથી મોટી ઇવેન્ટમાંની એક તમારી નિષ્ફળતાને કારણે રદ થઇ શકે છે. સવારે 10 વાગ્યાથી, હું પુણે એરપોર્ટ પર છું. અમારી ફ્લાઇટ પહેલા 1:05 વાગ્યા, પછી 1:25 વાગ્યા, અને પછી 3:30 વાગ્યા અને હવે સાંજે 6 વાગ્યા સુધી ડીલે કરવમાં આવી. કોઈ સ્પષ્ટતા નથી. કોઈ જવાબ નથી, કોઈ જવાબદારી નથી. આ ઇવેન્ટ માટે મારું લાખોનું રોકાણ બરબાદ થઇ જશે. મને જવાબ જોઈએ છે, ઇન્ડિગો.”
ખાવા-પીવા માટેની પણ વ્યવસ્થા નહીં:
ફસાયેલા એક મુસાફરે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિ છે. તેઓ 14 કલાકથી એરપોર્ટ પર છે. ખાવા-પીવા માટે કોઈ કૂપન આપવામાં નથી આવી રહી. લોકો બૂમો પાડી રહ્યા છે અને રડી રહ્યા છે, પરંતુ એરલાઈનનો સ્ટાફ કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યો નથી.
ગોવા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો, અને ઇન્ડિગો સ્ટાફ સામે સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમને શાન્ત કરવા પોલીસ અધિકારી દોડી આવ્યા હતાં.
ચેન્નઈ એરપોર્ટ પર પણ મુસાફરોના ટોળા જોવા મળી રહ્યા છે. એરપોર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ ઇન્ડિગોના મુસાફરોને પ્રવેશ કરતા રોકી રહ્યા છે.
આ પણ વાંચો…ઇન્ડિગો પર મોટી આફત: ગુરુવારે 600 ફ્લાઇટ્સ રદ! હજારો મુસાફરો ફસાયા, જાણો શું છે કારણ



