ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ સરકારની લાલ આંખ, કહ્યું મુસાફરોને હેરાન કરવાની મંજુરી નહી

નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ ઇસ્યુનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી આપી છે. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં મંગળવારે કહ્યું કે કોઈ પણ એરલાઈન્સને મુસાફરને હેરાન કરવાની મંજુરી નહી અપાય. તેમણે વધુમાં જણાવ્યું કે ડીજીસીએ ઇન્ડિગોના સીનીયર મેનેજમેન્ટને શો-કોઝ નોટીસ ફટકારી છે. તેમજ તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તેનો અહેવાલ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ડિગોની સ્થિતીમાં ધીરે ધીરે સુધાર
નાગરિક ઉડ્ડયન મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઇન્ડિગોની સ્થિતીમાં ધીરે ધીરે સુધાર આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય એરલાઈન્સ યોગ્ય રીતે ચાલી રહી છે. દેશભરના એરપોર્ટ સ્થિતી સામાન્ય છે. કોઈ જગ્યા ભીડ અથવા તો મુશ્કેલી નથી. તેમજ રિફંડ, બેગેજ અને યાત્રી સુવિધા મુદ્દે મંત્રાલય સતત મોનીટરીંગ કરી રહ્યું છે.
આ પણ વાંચો : ઇન્ડિગોએ મુસાફરોને રૂપિયા 610 કરોડનું રિફંડ આપ્યું, 3000 બેગ સોંપી
ઇન્ડિગો કટોકટી પર લોકસભામાં બોલતા, મંત્રીએ કહ્યું કે ફ્લાઇટ કામગીરી ઝડપથી સામાન્ય થઈ રહી છે. ઇન્ડિગોને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મુસાફર-કેન્દ્રિત બનાવવા માટે લાંબા ગાળાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
745 કરોડ રૂપિયાનું રિફંડ
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોમાં 1લી ડિસેમ્બરથી 8મી ડિસેમ્બરની વચ્ચે હજારો મુસાફરોને ફ્લાઇટ રદ્દ થવા, લાંબો સમય રાહ જોવી પડવી અને સામાન પહોંચાડવામાં વિલંબ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સરકારે આ સમયગાળા દરમિયાન રદ્દ થયેલા 730655 PNRs માટે મુસાફરોને કુલ 745 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું હોવાનું જણાવ્યું છે. વળી, એરલાઈન પાસે ફસાયેલા લગભગ 9000 બેગમાંથી 6000 બેગ મુસાફરોને પહોંચાડવામાં આવી છે, અને બાકીના બેગ મંગળવાર સુધીમાં પહોંચાડવાનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચો : ઇન્ડિગોએ આજે પણ 650 ફલાઈટ્સ રદ કરી, 1650 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે
એરલાઈનના રોકાણકારોને પણ મોટું નુકસાન
આ ગંભીર પરિસ્થિતિના કારણે માત્ર મુસાફરો જ નહીં, પરંતુ એરલાઈનના રોકાણકારોને પણ મોટું નુકસાન થયું છે. ન્યૂઝ એજન્સીના એક અહેવાલ મુજબ, આ સંકટને કારણે છેલ્લા સાત દિવસમાં ઈન્ડિગોના શેર માં લગભગ 17 ટકા નો જંગી ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે તેની બજાર કિંમતમાં 4.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આમાં સોમવારે શેરની કિંમતમાં થયેલો 8.3 ટકા નો ઘટાડો પણ સામેલ છે.



