ઇન્ડિગો કટોકટી મામલે DGCAની મોટી કાર્યવાહી: 4 અધિકારીઓ સસ્પેન્ડ

નવી દિલ્હી: ઇન્ડિગો એરલાઈન્સમાં ચાલી રહેલી કટોકટીને કારણે લાખો મુસાફરો હેરાન થઇ રહ્યા છે, એરલાઈન્સ ઉપરાંત સરકાર પર પણ સવાલ ઉઠી રહ્યા છે. એવામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ મોટી કાર્યવાહી કરી છે, ચાર ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર (FIO) ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર અધિકારીઓ ઇન્ડિગોની એરલાઇનની ફ્લાઈટ સેફટી, પાઇલટ ટ્રેનીંગ અને ઓપરેશનલ કમ્પ્લાયન્સની જવાબદારી સંભાળતા હતાં. ઇન્ડિગો એરલાઈન્સ CEO પીટર એલ્બર્સ DGCA સમક્ષ હાજર થવાના છે, એ પહેલા આ પગલું ભરવામાં આવ્યું છે.
આ કારણે સર્જાઈ કટોકટી:
નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) ના બીજા તબક્કના ધોરણો નવેમ્બરમાં અમલમાં આવ્યા હતા. ઇન્ડિગો એરલાઈન આ નવા ધોરણો મુજબ ફ્લાઈટ શેડ્યુલ કરી શકી નહીં. ડિસેમ્બરથી મહિનાની શરૂઆતથી ફ્લાઈટ કેન્સલેશન વધવા લાગ્યું. સરકારે આ કટોકટી માટે એરલાઇનના ગેરવહીવટ જવાબદાર ઠેરવ્યો.
સરકારે ઈન્ડીગો એરલાઈનને નવા ધોરણોમાંથી રહાત આપી છે, મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું કે ફ્લાઈટ ઓપરેશન સ્થિર થઈ ગયું છે, સ્થિતિ સામાન્ય થઇ ગઈ છે.
DGCAની કાર્યવાહી:
અહેવાલો મુજબ DGCAએ ગુરુગ્રામમાં આવેલી ઇન્ડિગોની ઓફિસમાં ક્રૂ રોસ્ટર અને રિફંડ સહિત કામગીરી પર દેખરેખ માટે બે ટીમો તૈનાત કરી છે. આ ટીમો DGCAએને દરરોજ રિપોર્ટ મોકલશે.
ઇન્ડિગો દેશની સૌથી મોટી એરલાઇન છે, જે સામાન્ય રીતે દરરોજ લગભગ 2,200 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. સરકારે ઇન્ડિગોને ઓપરેશનમાં 10 ટકાનો ઘટાડોના નિર્દેશ આપ્યા છે, આમ દરરોજ ઇન્ડિગોની દરરોજ 200 થી વધુ ફ્લાઇટ્સ ઓછી થશે.
આ પણ વાંચો…ઇન્ડિગો એરલાઇન્સે આજે પણ 220 ફલાઇટ રદ કરી, ફલાઇટ ઓપરેશન નિયમીત કરવા તાકીદ…



