ઇન્ડિગો એરલાઇન્સે આજે પણ 220 ફલાઇટ રદ કરી, ફલાઇટ ઓપરેશન નિયમીત કરવા તાકીદ…

નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઇન્સે સતત નવમા દિવસે પણ ફ્લાઇટ રદ કરી છે. ઇન્ડિગોએ આજે દિલ્હી અને મુંબઈ સહિત દેશના ત્રણ મુખ્ય એરપોર્ટ પરથી કાર્યરત 220 ફ્લાઇટ્સ રદ કરી છે. તેમજ કંપનીની સીઇઓએ જણાવ્યું છે ફ્લાઇટ ઓપરેશન આગામી દિવસોમાં પૂર્વવત થઇ જશે.બુધવારે ઇન્ડિગોએ દિલ્હીથી 137 અને મુંબઈથી 21 ફ્લાઇટ્સ રદ કરી હતી. ઇન્ડિગોએ બેંગલુરુથી 61 ફ્લાઇટ્સ પણ રદ કરી હતી. ડીજીસીએ કંપની ફલાઇટ ઓપરેશન નિયમીત કરવા તાકીદ પણ કરી છે.
મંગળવારે પણ 460 ફ્લાઇટ્સ રદ કરી હતી
ઇન્ડિગોએ મંગળવારે પણ 460 ફ્લાઇટ્સ રદ કરી હતી. તેમજ લાખો ગ્રાહકોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું છે. આ મહિનાની 2 તારીખે શરૂ થયેલી ગંભીર ઓપરેશનલ કટોકટીને કારણે ઇન્ડિગોએ અત્યાર સુધીમાં 5,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. ઓપરેશનલ કટોકટી ઘણા દિવસો બાદ સરકારે ઇન્ડિગો સામે તબક્કાવાર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. તેમજ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ રિફંડ આપવા ઉપરાંત, અન્ય એરલાઇન્સ મનસ્વી ભાડા વસૂલતા અટકાવવા માટે હવાઈ ભાડા પર મર્યાદા મૂકવામાં આવી હતી.
મુસાફરોની મુશ્કેલીઓ સતત વધી
દરરોજ લગભગ 2200 ફ્લાઇટ્સનું સંચાલન કરતી અને સ્થાનિક ઉડ્ડયન બજારમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવતી ઈન્ડિગો એરલાઈનનું સંકટ આજે, તેના નવમા દિવસે પણ યથાવત્ છે. દેશના ત્રણ મુખ્ય એરપોર્ટ, દિલ્હી, અમદાવાદ અને મુંબઈ પર ફ્લાઇટ રદ્દ થવા અને વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો કલાકોથી ફસાયેલા જોવા મળ્યા હતા.
ડીજીસીએ પણ આક્રમક વલણ અપનાવ્યું
આ દરમિયાન કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવીને ઈન્ડિગોને તેની કુલ ફ્લાઇટ્સ 10 ટકા ઘટાડવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે આકરી ઝાટકણી કાઢ્યા પછી હવે ડીજીસીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે અને આવતીકાલ સુધીમાં વિસ્તૃત રિપોર્ટ આપવાની નોટિસ પણ આપી છે. રિપોર્ટમાં રદ્દ કરેલી ફ્લાઈટ, વિલંબ કેટલી થઈ સહિત અન્ય વિગતો પણ સામેલ કરવાનો આદેશ આપ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં રિપોર્ટ સાથે ડીજીસીએની ઓફિસ પહોંચવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો…લોકસભાના આંકડામાં ઇન્ડિગોની પોલ ખુલી! એરલાઈનનું આ વલણ કટોકટી તરફ દોરી ગયું



