
મુંબઈ: ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગો છેલ્લા ત્રણ દિવસથી મોટી મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. ગઈ કાલે ગુરુવારે ઇન્ડિગોને દેશભરમાં 600 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી રહી છે. જેને કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કેબિન ક્રૂની સમસ્યાઓ અને ટેકનોલોજીકલ સમસ્યાઓને કારણે ઇન્ડિગોને શેડ્યુલમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડી છે, જેને કારણે ફલાઈટ ઓપરેશનને ખોરવાયું છે. ઇન્ડિગો એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું કે કે આગામી બે-ત્રણ દિવસમાં હજુ પણ સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે. 8 ડિસેમ્બરથી ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે.
ક્યાં શહેરથી કેટલી ફ્લાઈટ્સ રદ?
અહેવાલ મુજબ, ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર 118, બેંગ્લોરમથી 100, હૈદરાબાદથી 75, કોલકાતાથી 35, ચેન્નઈથી 26 અને ગોવામાં 11 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. દેશના અન્ય એરપોર્ટ પરથી પણ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
ઓનટાઈમ પરફોર્મન્સ ખાડે ગયું:
સામાન્ય રીતે ઇન્ડિગો દરરોજ લગભગ 2,300થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, એરલાઈન તેની ફ્લાઈટ્સની પંકચ્યુઆલીટી જાળવવા માટે જાણીતી છે. પરંતુ હાલમાં ઉભી થયેલી સમસ્યાઓને કારણે બુધવારે ઓનટાઈમ પરફોર્મન્સ ઘટીને માત્ર 19.7 ટકા થઇ ગયું હતું, જે મંગળવારે નોંધાયેલા 35 ટકા હતું.
ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે સ્ટાફને એક નિવેદનમાં જણાવ્યું કે ઓપરેશન સામાન્ય બનાવવું અને અને પંકચ્યુઆલીટી ફરી પહેલા જેવી કરવી એ સરળ નહીં રહે.
શું છે સમસ્યાનું કારણ?
સિવિલ એવિએશન મીનીસ્ટ્રી અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)ના અધિકારીઓ ગઈકાલે ઇન્ડિગોના વરિષ્ઠ પદાધિકારીઓને મળ્યા હતા, જેથી સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય.
ઇન્ડિગોએ કારણો જણાવતા કહ્યું કે તેઓ નવા ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) નિયમોના બીજા તબક્કા 2 ને યોગ્ય રેતે લાગુ કરી શક્યા નહીં, એ માટે ક્રૂની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યા. શિયાળાના હવામાનને કારણે પણ ફ્લાઈટ ઓપરેશન પર પહેલાથી અસર પડી રહી હતી.
શું છે નવા FDTL ધોરણો?
કોર્ટના નિર્દેશો બાદ 1 નવેમ્બરથી ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) ધોરણોનો બીજો તબક્કો લાગુ કરવો ફરજીયાત બન્યો હતો. જે હેઠળ જરૂરી સ્ટાફની સંખ્યામાં વધારો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પાઇલટની ડ્યુટી સમય પર પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
એરલાઇને DGCAએ નાઈટ ટાઈમ પાઇલટ ડ્યુટી કલાકો પરની મર્યાદાના નિયમોમાંથી રાહતની માંગ કરી છે. એરલાઈને કહ્યું કે 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કામગીરી સામાન્ય થઇ શકશે.
આ પણ વાંચો…ઇન્ડિગોની 300થી વધુ ફ્લાઇટ્સ રદ: મુસાફરોની હાલાકી યથાવત, એરલાઇને માફી માગી



