પાકિસ્તાનને સાથ આપનાર અઝરબૈજાન સાથે ભારતના સારા સંબંધો; હવે પડશે મોટો ફટકો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છેલ્લા ત્રણ દાયકાના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં નવ આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસોને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાકામ કર્યા હતાં.
આ તણાવ વચ્ચે દુનિયાના ઘણા દેશોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે ભારતને ટેકો જાહેર કર્યો હતો, બીજી તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એકલું પડેલું દેખાયું હતું. ચીન, તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોએ જ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું.
નોંધનીય છે કે ચીન અને તુર્કી લાંબા સમયથી પાકિસ્તાનના મિત્ર રહ્યા છે, બંને દેશોએ પાકિસ્તાનને લશ્કરી મદદ પૂરી પાડી છે. બંને દશોએ પાક્સિતાનમાં મોટા પાયે રોકાણ પણ કર્યું છે. હાલના તાણવ વચ્ચે અઝરબૈજાનની સરકારે પાકિસ્તાનના વડા પ્રધાનને પત્ર લખીને ટેકો આપ્યો હતો.
જેને કારણે ભારતીયો સોશિયલ મીડિયા પર અઝરબૈજાન સામે રોષ ઠાલવી રહ્યા છે. ઘણા ભારતીયો ચીન અને તુર્કી ઉપરાંત અઝરબૈજાનના બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા (Boycott Azerbaijan) છે. ઘણી ટ્રાવેલ એજન્સીઓએ આ દેશો માટે નવા બુકિંગ બંધ કરી દીધા છે અને એડવાન્સ બુકિંગ રદ કરી રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ અઝરબૈજાન સાથે ભારતના સારા સંબંધો રહ્યા છે.
ભારત અને અઝરબૈજાનના સંબંધો:
ભારત-અઝરબૈજાન સંબંધો ઘણા જૂના છે. 1991 સુધી અઝરબૈજાન સોવિયેત સંઘનો ભાગ હતું. સોવિયેત સંઘના વિઘટન બાદ, ભારતે 1991માં અઝરબૈજાનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી. ભારતે માર્ચ 199માં અઝરબૈજાનની રાજધાનીમાં બાકુ(Baku)માં પોતાનું દૂતાવાસ ખોલ્યું હતું, જ્યારે દિલ્હીમાં અઝરબૈજાનનું દૂતાવાસ ઓક્ટોબર 2004માં ખોલવામાં આવ્યું હતું.
અઝરબૈજાન અગાઉ અઝરબૈજાન સોવિયેત સોશીયાલીસ્ટ રિપબ્લિક હતું, ત્યારે પણ તેના ભારત સાથે સારા સંબંધો હતા. તે સમયે, જવાહરલાલ નેહરુ અને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વ્યક્તિઓએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી અને આ સંબંધને મજબૂત બનાવ્યો હતો.
ભારત અને અઝરબૈજાન વચ્ચે વેપાર:
રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા પછી, બંને દેશો વચ્ચેના સંબંધો નવા આયામોને સ્પર્શ્યા. અઝરબૈજાનમાં ભારતના દૂતાવાસના જણાવ્યા અનુસાર, 2023 માં બંને દેશો વચ્ચેનો વેપાર $1.435 બિલિયન હતો. 2005 માં, તે ફક્ત પાંચ કરોડ યુએસ ડોલર થયો હતો. ભારત અઝરબૈજાનનો સાતમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
ઇટાલી, તુર્કી, રશિયા, ચીન, જર્મની અને ઇઝરાયલ બાદ અઝરબૈજાન સાથે ભારત સાથે સૌથી વધુ વેપાર કરે છે. ભારત અઝરબૈજાનને ચોખા, મોબાઈલ ફોન, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, દવાઓ, સ્માર્ટફોન, સિરામિક ટાઇલ્સ, ગ્રેનાઈટ, મશીનરી, માંસ અને પ્રાણીઓની નિકાસ કરે છે.
ભારતે 2023 માં અઝરબૈજાન પાસેથી $955 મિલિયનનું ક્રૂડ તેલ ખરીદ્યું અને લગભગ $43 મિલિયનના ચોખાની નિકાસ કરી. ભારત અઝરબૈજાનનો ત્રીજો સૌથી મોટો ખરીદાર દેશ છે.
અઝરબૈજાન અને પાકિસ્તાન વચ્ચે વેપાર:
વર્ષ 2023 માં અઝરબૈજાન અને પાકિસ્તાન વચ્ચેના 28.8 મિલિયન ડોલરનો વેપાર થયો હતો. આમાં, પાકિસ્તાનથી 29.6 મિલિયન ડોલરની નિકાસ થઈ હતી. પાકિસ્તાન તેના મોટાભાગના બટાકા અઝરબૈજાનને વેચે છે. વૈશ્વિક વેપાર પર નજર રાખતી વેબસાઇટ ઓબ્ઝર્વેટરી ઓફ ઇકોનોમિક કોમ્પ્લેક્સિટી દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે.
અઝરબૈજાન ભારતીયોનું મનપસંદ પ્રવાસન સ્થળ:
અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 માં 1 લાખ 15 હજારથી વધુ ભારતીયોએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી. 2022 ની સરખામણીમાં આ સંખ્યા લગભગ બમણી હતી. અઝરબૈજાનના પ્રવાસન બોર્ડ અનુસાર, 2024 માં 2,43,589 ભારતીય પ્રવાસીઓએ દેશની મુલાકાત લીધી હતી, એટલે કે 2023 ની સરખામણીમાં બમણી.
વર્ષ 2014 માં ફક્ત 4,853 ભારતીયોએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી. બોર્ડે અંદાજ લગાવ્યો હતો કે આગામી 10 વર્ષમાં ભારતમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યા વાર્ષિક 11 ટકાના દરે વધશે. અઝરબૈજાનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યાને બાબતે રશિયા, તુર્કી અને ઈરાન બાદ ભારતનો ક્રમ આવે છે.
અઝરબૈજાનમાં ભારતીય ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. છેલ્લા ચાર વર્ષમાં, ઓછામાં ઓછી 30 ભારતીય ફિલ્મો અને જાહેરાતોનું શૂટિંગ અઝરબૈજાનમાં થયું છે.
ભારતીય દૂતાવાસ અનુસાર, દિલ્હી અને અઝરબૈજાનની રાજધાની બાકુ વચ્ચે દર અઠવાડિયે 10 ફ્લાઇટ્સ આવે છે. મુંબઈ અને બાકુ વચ્ચે દર અઠવાડિયે ચાર ફ્લાઇટ્સ છે.
પાકિસ્તાનને સાથ આપવો મોંઘો પડશે:
હવે અઝરબૈજાને પાકિસ્તાનને ટેકો આપ્યો છે તેનાથી ભારતીયોમાં ભારે રોષ ફેલાયો છે. અઝરબૈજાના બહિષ્કાર માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલવવામાં આવી રહ્યું છે. કેટલીક ટ્રાવેલ કંપનીઓએ અઝરબૈજાનના નવા બુકિંગ લેવાનું બંધ કર્યું અને એડવાન્સ બુકિંગ રદ કર્યા છે. અહેવાલ મુજબ ભારતીયોના અઝરબૈજાન માટે અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ બુકિંગ રદ કરવામાં આવ્યા છે અને કોઈ નવું બુકિંગ થઈ રહ્યું નથી.
બહિષ્કારને કારણે અઝરબૈજાનના પ્રવાસન ઉદ્યોગને ભારે ફટકો પડી શકે છે. ભવિષ્યમાં રાજદ્વારી સ્તરે પણ ભારત અઝરબૈજાન સામે પગલા ભરી શકે છે. જેથી અઝરબૈજને જાણ થાય કે ભારતના દુશ્મનને સાથ આપવો કેટલું ભારે પડી શકે છે.