
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશ સિંદુર બાદ સિંધુ જળ સંધીને લઈ તણાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત ઉત્તર-પૂર્વ સરહદ પર પાણી લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે.
ચીનના બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા ડેમના નિર્માણનો જવાબ આપવા ભારતે અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર એક મહાકાય હાઇડ્રોપાવર અને જળ-સુરક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ માત્ર વીજ ઉત્પાદન માટે નથી, પરંતુ ચીનની જળ-નીતિનો સામનો કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલુ છે.
ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર દેશનો સૌથી મોટો બંધ બનાવવાની યોજના શરૂ કરી છે. આ બંધ લગભગ 280 મીટર ઊંચો હશે અને 11,200થી 11,600 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે. જોકે, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વીજ ઉત્પાદન નહીં, પરંતુ ચીનના બ્રહ્મપુત્રા નદી પરના ડેમથી ઉદ્ભવતા જોખમોનો સામનો કરવાનો છે. આ બંધ ભારતને પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરશે.
ચીનના ‘વોટર બોમ્બ’નો ખતરો
ચીન તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદી, જે ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે, તેના પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે. આ ડેમને ભારત માટે ‘વોટર બોમ્બ’ તરીકે ગણવામાં આવે છે, કારણ કે ચીન અચાનક પાણી રોકે કે છોડે તો અરુણાચલ પ્રદેશ અને આસામમાં વિનાશક પૂર આવી શકે છે. ચીને આંતરરાષ્ટ્રીય જળસંધિઓ પર હસ્તાક્ષર ન કર્યા હોવાથી, તેની નીતિઓમાં પારદર્શિતાનો અભાવ છે, જે ભારત માટે જોખમ વધારે છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચીનના ડેમને ‘વોટર બોમ્બ’ ગણાવીને તેનાથી આદિવાસી સમુદાયોના અસ્તિત્વને જોખમ હોવાનું જણાવ્યું છે. રાજ્યના મંત્રી ઓજિંગ તેસિંગે દાવો કર્યો છે કે લગભગ 70 ટકા સ્થાનિક લોકો આ પ્રોજેક્ટના સમર્થનમાં છે, જોકે કેટલાક લોકો અજાણતામાં વિરોધ કરી રહ્યા છે. આ બંધ ભારત માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે, જે ચીનની જળ-નીતિથી થતા નુકસાનને રોકવામાં મદદરૂપ થશે.