શ્રીલંકાના પોર્ટ પર પહોંચ્યું ભારતનું INS Karanj, ને શું થયું, જાણો ખાસિયતો? | મુંબઈ સમાચાર
નેશનલ

શ્રીલંકાના પોર્ટ પર પહોંચ્યું ભારતનું INS Karanj, ને શું થયું, જાણો ખાસિયતો?

કોલંબો: હાલમાં જ ભારત સાથે આડોડાઇ કરીને સંબંધો બગાડનારા નાનકડા ટાપુ દેશ માલદીવ્સે વધુ અવળચંડાઇ કરીને પોતાના સમુદ્રમાં ભારતના કટ્ટર હરીફ એવા મીંઢા ચીનના જાસૂસી જહાજને આમંત્રણ આપ્યું. જોકે, ભારતે પણ સમુદ્રમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરી ચીનને તેનું સ્થાન બતાવી દીધું છે અને શ્રીલંકામાં ભારતીય નૌકાદળ (ઇન્ડિયન નેવી)ની શક્તિશાળી સબમરીન મોકલાવી દીધી છે.

હવે વાત એમ થઇ કે ચીન અને શ્રી લંકા સારા સંબંધો ધરાવે છે અને તેથી સમુદ્રમાર્ગે માલદીવ્સ જતા વચ્ચે ચીને પોતાનું જાસૂસી જહાજ ‘જીયાંય યાંગ હોંગ 3’શ્રીલંકાની રાજધાની કોલંબાના બંદરે લાંગર્યું હતું. પણ ભારતે પોતાની સબમરીન ‘આઈએનએસ કરંજ’ને રવાના કરતા ચીન દબાણમાં આવી ગયું. ભારતનો પ્રભાવ શ્રી લંકા પણ સારી રીતે જાણે છે અને તેથી જ શ્રી લંકાએ પણ તાબડતોબ ચીનના જાસૂસી જહાજને પોતાના બંદરેથી રવાના કર્યું હતું. પોતાની શક્તિશાળી સબમરીન મોકલાવીને થોડા સમયથી ચીન સાથે મીઠા સંબંધો કેળવી રહેલા શ્રીલંકાને પણ ભારતે એક રીતે સંકેત આપી દીધો.

શ્રીલંકાના કોલંબો બંદરે ‘આઈએનએસ કરંજ’ પહોંચ્યું તો શ્રીલંકાની નેવીએ પણ તેનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ચીનનું જાસૂસી જહાજ માલદીવ્સ તરફ વધી રહ્યું છે ત્યારે પોતાની અત્યાધુનિક સબમરીન મોકલીને ભારતે શ્રીલંકા, માલદીવ્સ અને ચીન એમ ત્રણેયને પોતાના પ્રભુત્વનો પરચો એક રીતે બતાવ્યો છે. આ ઉપરાંત ચીનને સીધો સંદેશ આપવામાં આવ્યો છે કે ભલે તે હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કરે, પણ સમુદ્રમાં ભારતનો દબદબો તો કાયમ રહેશે જ અને દરેક પ્રકારના પડકારોનો સામનો કરવા માટે ઇન્ડિયન નેવી સજ્જ છે.

Back to top button