પીએમ મોદીએ લૉંચ કરેલા BSNL 4Gનો ફાયદો તમને કઈ રીતે મળશેઃ જાણો વિગતવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે BSNLનું 4G નેટવર્ક લોન્ચ કરી દિધુ છે. આ નેટવર્ક ભારતભરની 98 હજારી સાઈટો પર રોલ આઉટ કરવામાં આવ્યું છે. દૂરસંચાર ક્ષેત્રેની આ ઐતિહાસિક સફળતા દેશની ટેકનોલોજીકલ સ્વતંત્રતાને નવી ઉંચાઈ પર લઈ જશે. BSNL દેશભરના લાખો લોકોને ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડશે. આ નેટવર્ક ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે, જે દેશના દરેક ખૂણે ડિજિટલ કનેક્ટિવિટીનું સ્વપ્ન સાકાર કરશે.
BSNLનું 4G નેટવર્ક લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે BSNLનું સ્વદેશી 4G નેટવર્ક દેશભરમાં લોન્ચ કર્યું છે. આ નેટવર્ક 98,000 મોબાઇલ ટાવર્સ પર રોલ આઉટ કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે ભારતીય ટેકનોલોજી પર આધારિત છે. આ નેટવર્ક સોફ્ટવેર-આધારિત અને ક્લાઉડ-આધારિત છે, જે ભવિષ્યમાં 5Gમાં અપગ્રેડ થવા માટે સક્ષમ છે. હાલમાં આ નેટવર્ક 22 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી રહ્યું છે.
આ પણ વાંચો: પીએમ મોદીએ દેશભરમાં બીએસએનએલની 4G સેવાનો પ્રારંભ કરાવ્યો
સ્વદેશી ટેકનોલોજીની સફળતા
આ નેટવર્કનું નિર્માણ ભારતીય કંપનીઓના સહયોગથી થયું છે. રેડિયો એક્સેસ નેટવર્ક (RAN) તેજસ નેટવર્ક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જ્યારે કોર નેટવર્ક C-DOT દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. TCSએ આ નેટવર્કને એકીકૃત કરવાનું કામ કર્યું છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક ભારતને વૈશ્વિક દૂરસંચાર ઉપકરણ ઉત્પાદનમાં અગ્રેસર બનાવે છે. આ પહેલ ‘ડિજિટલ ભારત નિધિ’ હેઠળ લાગુ કરવામાં આવી છે, જેના દ્વારા 29,000 ગામડાઓને 4G કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Airtel, Jio, Viની ચિંતા વધારી દીધી BSNLની આ એક હરકતે…
દેશભરમાં કનેક્ટિવિટીનું વિસ્તરણ
આ નેટવર્ક ભારતના દરેક ખૂણાને ડિજિટલ રીતે જોડવાનો લક્ષ્યાંક ધરાવે છે. બિહારના વિદ્યાર્થીઓને વિશ્વ-સ્તરીય ઓનલાઇન શિક્ષણ, પંજાબના ખેડૂતોને બજારના ભાવની રીઅલ-ટાઇમ માહિતી, કાશ્મીરમાં તૈનાત સૈનિકોને તેમના પરિવાર સાથે જોડાણ અને ઉત્તર-પૂર્વના વેપારીઓને આંતરરાષ્ટ્રીય તકો અને ફંડિંગની સુવિધા મળશે. આ નેટવર્ક દરેક ભૌગોલિક અને સામાજિક બેગ્રાઉન્ડના ભારતીયોને સશક્ત બનાવવા માટે રચાયેલ છે.
વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ
આ મામલે દૂરસંચાર સચિવ ડૉ. નીરજ મિત્તલે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા સ્વદેશી 4G ટેકનોલોજીનું સ્વપ્ન અશક્ય લાગતુ હતુ, પરંતુ આજે તે વાસ્તવિકતા બની ગયું છે. યુવાનો, ઉદ્યોગો અને સતત દેખરેખના પરિણામે ભારત દૂરસંચાર ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આ ટેકનોલોજી હવે વૈશ્વિક બજારમાં નિકાસ માટે તૈયાર છે, જે ભારતને ઉચ્ચ ગુણવત્તાની ટેલિકોમ સેવાઓના કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે.