નેશનલ

એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દેખાવ

૨૮ ગોલ્ડ સાથે કુલ ૧૦૭ મૅડલ મેળવ્યા

હોંગઝોઉ : ૨૦૨૩ એશિયન ગેમ્સમાં ભારતની સફર પૂર્ણ થઇ ગઇ છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૧૦૭ મેડલ જીત્યા હતા. જેમાં ૨૮ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૧ બ્રોન્ઝ મેડલ સામેલ છે. એશિયન ગેમ્સના ૭૨ વર્ષના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે પ્રથમ વખત મેડલની સદી ફટકારી છે. આ વખતે ભારતે બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.

પહેલા એક જ દિવસમાં સૌથી વધુ મેડલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો અને પછી એક જ એડિશનમાં સૌથી વધુ મેડલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે ૧૦૭ મેડલ જીત્યા અને મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. કેટલીક રમતોનું આયોજન થવાનું બાકી છે, પરંતુ મેડલ ટેબલમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં ભારતે ચોથા સ્થાને રહીને પોતાના મેડલ અભિયાનનો અંત કર્યો હતો.

એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતનું અગાઉનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૧૮માં હતું, જ્યારે ભારતને ૭૦ મેડલ મળ્યા હતા. આ વખતે ભારતે પ્રથમ વખત ૧૦૦નો આંકડો પાર કર્યો છે. ભારતે તીરંદાજી અને એથ્લેટિક્સમાં ઘણાં મેડલ જીત્યાં હતાં. અંતે કુસ્તીબાજોને પણ ઘણાં મેડલ જીતવામાં સફળતા મળી હતી. બેડમિન્ટન અને ક્રિકેટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સમાં ભારતના ૧૦૦ મેડલ પૂરા કરવાને મહત્ત્વની સિદ્ધિ ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેઓ ૧૦ ઓક્ટોબરે ભારતીય ટુકડીનું સ્વાગત કરશે. વડા પ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે “દરેકના શાનદાર પ્રદર્શને ઈતિહાસ રચ્યો અને અમારા હૃદયને ગર્વથી ભરી દીધું. હું એશિયન ગેમ્સની આપણી ટુકડીનું સ્વાગત કરીશ અને ૧૦ ઓક્ટોબરે ખેલાડીઓ સાથે વાત કરીશ. તેમણે કહ્યું કે ભારતના લોકો રોમાંચિત છે કે આપણે ૧૦૦ મેડલની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કહ્યું હતું, “એશિયન ગેમ્સમાં ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ. હું આપણા તેજસ્વી ખેલાડીઓને અભિનંદન આપું છું જેમના પ્રયત્નોથી ભારત આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શક્યું.

એશિયન ગેમ્સના ઈતિહાસમાં પણ આ પહેલીવાર છે જ્યારે ભારતે ૨૦થી વધુ ગોલ્ડ મેડલ જીત્યા હોય. આ પહેલા ૭૨ વર્ષ પહેલા એટલે કે ૧૯૫૧ની દિલ્હી એશિયન ગેમ્સમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ આવ્યા હતા. ત્યારે ભારતે ૧૫ ગોલ્ડ જીત્યા હતા. જાકાર્તામાં આયોજિત છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતે પહેલા જ ૭૦ મેડલનો રેકોર્ડ તોડ્યો હતો. આ વર્ષે ભારતે શૂટિંગ અને એથ્લેટિક્સ જેવી રમતોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

એશિયન ગેમ્સના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ ૫ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી બીજા દિવસે ભારતે ૬ મેડલ જીત્યા. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે ભારતે અનુક્રમે ૩, ૮ અને ૩ મેડલ કબજે કર્યા હતા. ભારતે અનુક્રમે છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા દિવસે ૮, ૫, ૧૫ અને ૭ મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓએ દસમા, અગિયારમા, બારમા, તેરમા અને ૧૪મા દિવસે અનુક્રમે ૯, ૧૨, ૫, ૯ અને ૧૨ મેડલ જીત્યા હતા.

ચીને ૧૯૪ ગોલ્ડ સહિત ૩૬૮ મેડલ જીત્યા હતા. આ પછી જાપાને ૪૮ ગોલ્ડ સહિત ૧૭૭ મેડલ જીત્યા. દક્ષિણ કોરિયા ૩૯ ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ભારત ચોથા સ્થાને રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button