ભારતનો પાકિસ્તાન પર ભવ્ય વિજય
કોલંબો: એશિયા કપના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રનથી કારમો પરાજય આપ્યો હતો. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી 2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડની વરસાદના કારણે પ્રભાવિત થયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. મેચ રવિવાર (10 સપ્ટેમ્બર)ના રોજ શ થઈ હતી, પરંતુ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. સોમવાર મેચનો રિઝર્વ ડે હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. નસીમ શાહ અને હારિસ રઉફ ઈજાના કારણે બેટિગ કરી શક્યા ન હતા. આ રીતે ટીમ ઈન્ડિયા મેચ 228 રનથી જીતી ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી હતી. નોંધનીય છે કે સોમવારે (10 સપ્ટેમ્બર) રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. આ પછી વરસાદ પડ્યો અને મેચ રમાઈ શકી નહોતી. મેચ એક દિવસ પછી એટલે કે રિઝર્વ ડે (11 સપ્ટેમ્બર) પર રમાઇ હતી.
ભારતીય ટીમે રિઝર્વ ડેમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે જોરદાર ઇનિંગ્સ રમી હતી. રાહુલે તેની છઠ્ઠી અને કોહલીએ તેની 47મી વન-ડે સદી ફટકારી હતી. બંન્નેએ શાનદાર અણનમ સદી ફટકારી હતી. વિરાટ અને રાહુલની સદીઓની મદદથી ભારતે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ અણનમ 122 રન અને લોકેશ રાહુલે અણનમ 111 રન બનાવ્યા હતા. આ બંને પહેલા રોહિત શર્મા 56 અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયા હતા.
વિરાટની 47મી સદી વન-ડેમાં સૌથી ઝડપી 13,000 રન
કોલંબો: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં પાકિસ્તાન સામેની મેચમાં અણનમ 122 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે તેના વન-ડે કરિયરની 47મી સદી ફટકારી હતી. પાકિસ્તાન સામે વનડેમાં આ તેની ત્રીજી સદી હતી. આ સાથે કોહલીએ વન-ડે ફોર્મેટમાં તેના 13,000 રન પણ પૂરા કર્યા. કોહલી વન-ડે ફોર્મેટમાં સૌથી ઝડપી 13 હજાર રન ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની આ મેચમાં 84 બોલમાં પોતાની સદી પૂરી કરી અને વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 321 ઇનિંગ્સમાં 13 હજાર વન-ડે રન બનાવ્યા હતા જ્યારે કોહલીએ 267મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 77 સદી ફટકારવામાં સફળ રહ્યો છે. કોહલીએ 561 ઇનિંગ્સમાં 77 સદી ફટકારી છે જ્યારે સચિને 594 ઇનિંગ્સમાં 77 સદી પૂરી કરી હતી તે સિવાય કોહલી વન-ડેમાં સૌથી ઝડપી 47 સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. અહીં તેણે સચિનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. સચિને તેની 435મી ઇનિંગ્સમાં તેની 47મી વન-ડે સદી પૂરી કરી હતી જ્યારે કોહલીએ તેની 267મી ઇનિંગમાં 47 સદી પુરી કરી છે.
ઇજા બાદ કે.એલ. રાહુલની શાનદાર વાપસી, પાકિસ્તાન સામે ફટકારી સદી
કોલંબો: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે ઇજા બાદ શાનદાર વાપસી કરતા એશિયા કપ સુપર-4ની મેચમાં પાકિસ્તાન સામે અણનમ 111 રન ફટકાર્યા હતા. કે.એલ. રાહુલે 106 બોલમાં અણનમ 111 રન ફટકાર્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને બે સિક્સનો સમાવેશ થાય છે.
કે.એલ. રાહુલે 100 બોલમાં સદી ફટકારી હતી. કે.એલ. રાહુલની વન-ડે કારકિર્દીની આ છઠ્ઠી સદી છે. કેએલ રાહુલે 6 મહિના બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી.
પાકિસ્તાન સામેની આ મેચમાં નંબર 4 પર બેટિગ કરવા આવેલા રાહુલે પોતાની ઇનિંગની શરૂઆતથી જ ધીમી કરી હતી પરંતુ રિઝર્વ ડેમાં તેણે આક્રમક વલણ અપનાવ્યું હતું. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રાહુલ ચોથા નંબર પર ટીમ ઈન્ડિયા માટે મેચ વિનરની ભૂમિકા ભજવી શકે છે.