નેશનલ

ભારત સરકારનું મોટું પગલું; IMF બોર્ડમાં ભારતીય અધિકારીને બરતરફ કરવામાં આવ્યા

નવી દિલ્હી: વૈશ્વિક નાણાકીય સહયોગ અને નાણાકીય સ્થિરતા માટે કામ કરતી સંસ્થા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)માં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ(Dr Krishnamurthy Subramanian)ને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે.

૩૦ એપ્રિલના રોજ જાહેર કરાયેલા સરકારી આદેશ મુજબ ભારતે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની IMFમાં સર્વિસને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરી, નોંધનીય છે કે તેમનો કાર્યકાળ પૂરો થવામાં 6 મહિના બાકી હતાં.

ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને ઓગસ્ટ 2022 માં સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેમણે 1 નવેમ્બર, 2022 ના રોજ ત્રણ વર્ષના કાર્યકાળ માટે IMF એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ IMF માં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂટાનનું પ્રતિનિધિત્વ કરતા હતાં.

વડાપ્રધાનો નિર્ણય?

એક સરકારી નોટિસમાં કહેવામાં આવ્યું છે, “અપોઈન્ટમેન્ટ કેબીનેટ કમિટી (ACC) એ ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને કેબિનેટની નિમણૂક સમિતિમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઇન્ડિયા) તરીકે તાત્કાલિક અસરથી બરતરફ કરવાની મંજૂરી આપી છે.”

નોંધનીય છે કે ACC નું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે છે. IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેનો તેમનો કાર્યકાળ નવેમ્બર, 2025 માં સમાપ્ત થવાનો હતો. સરકાર દ્વારા તેમનો કાર્યકાળ વહેલો સમાપ્ત કરવા કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું.

પાકિસ્તાન સાથે તણાવ મુદ્દે લેવામાં આવ્યો નિર્ણય?

મહત્વની વાત એ છે કે 9 મેના રોજ IMF એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક યોજવાની છે, એના થોડા દિવસો પહેલા સુબ્રમણ્યમની સર્વિસ સમાપ્ત કરવામાં આવી છે. IMF એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં પાકિસ્તાન માટે ભંડોળ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં ભારત પાકિસ્તાનને વધારાની નાણાકીય સહાયનો વિરોધ કરે તેવી શક્યતા છે, કારણ કે ભારતને શંકા છે કે આ ફંડ આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે વપરાય છે. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

કોણ છે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ?

ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ ભારત સરકારના 17મા મુખ્ય આર્થિક સલાહકાર હતા, અને આ ભૂમિકા સંભાળનારા સૌથી નાની વયના વ્યક્તિ હતા. તેમણે વર્ષ 2018 થી 2021 સુધી ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે સેવા આપી હતી.
તેમણે IIT ખડગપુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને બાદમાં IIM કલકત્તામાંથી MBA કર્યું. તેમણે શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ફાઇનાન્સીયલ ઇકોનોમિક્સમાં PhDની ડિગ્રી મેળવી.

કેવી સુબ્રમણ્યમે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની વિવિધ નિષ્ણાત સમિતિઓમાં વિવિધ હોદ્દા પર સેવા આપી છે.

આ પણ વાંચો:  ભારતની ટ્રેડ સ્ટ્રાઈક, પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કર્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button