રશિયા પાસેથી ભારતની ક્રુડની ખરીદી ઘટી છતાં હજુ નંબર 1 સપ્લાયર, બીજા દેશો પાસેથી કેટલું ક્રુડ ખરીદ્યું?

નવી દિલ્હી: ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરે એ માટે યુએસ દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. યુએસ રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ લાદી ચુક્યા છે, અને ભારત રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો ભવિષ્યમાં વધુ પ્રતિબંધો લાદવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પની ધમકી છતાં ભારતે તેના વિશ્વાસુ વેપાર ભાગીદાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખી છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાના આંકડા મુજબ ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાના હિસ્સામાં સામાન્ય ઘટાડો થયો છે.
સપ્ટેમ્બર ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતનો 33.9% હિસ્સો રશિયા પાસેથી ખરીદવામાં આવ્યો હતો, જે એપ્રિલમાં 40% હતો. આ ઘટાડા છતાં, ભારતની કુલ ઓઈલ ખરીદીના એક તૃતીયાંશથી વધુ હિસ્સો રશિયાથી આવ્યો હતો. આમ રશિયા હજુ પણ ભરતો સોથી મોટું ઓઈલ સપ્લાયર રહ્યું છે.
રશિયાથી આટલું ક્રૂડ ઓઈલ આવ્યું:
સપ્ટેમ્બરમાં ભારતની ક્રૂડ આયાત આશરે 4.7 મિલિયન બેરલ પ્રતિ દિવસ (Barrel per day) હતી. જેમાંથી 1.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ ઓઈલ રશિયાથી આવ્યું હતું. જોકે, વર્ષ 2025 ના પ્રથમ આઠ મહિના દરમિયાન રશિયાથી આયાત કરાયેલા ક્રૂડ ઓઈલ કરતા આશરે 1,60,000 બેરલ પ્રતિ દિવસ ઓછું હતું. આમ સપ્ટેમ્બરમાં રશિયાથી આયાત થતા ક્રૂડ ઓઈલમાં ઘટડો થયો છે, છતાં રશિયા ભારનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું છે.
રશિયા બાદ આ દેશોએ ભારતને ક્રૂડ ઓઈલ સપ્લાય કર્યું:
ભારતને ક્રૂડ ઓઇલ સપ્લાય કરવાના મામલે રશિયા બાદ ઇરાકનો ક્રમ આવે છે. સપ્ટેમ્બરમાં ઈરાકે ભારતેને લગભગ 8,81,115 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલ સપ્લાય કર્યું હતું. ઈરાક બાદ સાઉદી અરેબિયા 6,03,471 બેરલ પ્રતિ દિવસ સાથે ત્રીજું અને યુએઈ 5,94,152 બેરલ પ્રતિ દિવસ સાથે ચોથું મોટું સપ્લાયર રહ્યું. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ 2,06,667 બેરલ પ્રતિ દિવસ સાથે ભારતનો પાંચમું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું.
યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયન ઓઈલની ખરીધી વધારી:
નોંધનીય છે કે વર્ષ 2022 માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદથી ભારતે રશિયા ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે. યુદ્ધ શરુ થયા બાદથી રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું છે, અગાઉ ઇરાક અને સાઉદી અરેબિયા જેવા દેશો ભારતના સૌથી મોટા સપ્લાયર રહેતા હતાં.
યુક્રેન પર હુમલાને કારણે પશ્ચિમી રાષ્ટ્રોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી છે, જેને કારણે રશિયા ડિસ્કાઉન્ટ રેટ ક્રૂડ ઓઈલ ઓફર કરી રહ્યું છે, જેને કારણે ભારત અને ચીન જેવા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં વધારો કર્યો છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારતની ક્રૂડ ઓઈલ ખરીદીમાં રશિયન ઓઈલનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો જે યુદ્ધ શરુ થયા બાદ વધીને 40 ટકા સુધી પહોંચ્યો છે.
યુએસની નારાજગી અને ભારતનો જવાબ:
રશિયાના કટ્ટર હરીફ યુએસને આ વાત પચી નથી રહી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જુલાઈ મહિનામાં ભારતીય આયાત પર ટેરિફ લાદવાની ધમકી આપી હતી જેથી ભારત પર રશિયન તેલ ખરીદી ઘટાડવા માટે દબાણ કર્યું હતું. ઓગસ્ટમાં યુએસમાં આયાત થતી ભારતીય પેદાશો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો, જ્યારે રશિયન ઓઈલના બીજા મુખ્ય ખરીદદાર ચીન પર વધારોનો ટેરીફ લાદવામાં આવ્યો નથી. જેને કારણે ભારત અને યુએસના વેપારીક સંબંધો વણસ્યા છે.
ભારતે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે કે ભારત કોઈના દબાણ હેઠળ રહીને વેપાર નહીં કરે, જ્યાંથી વધુ સારી ડીલ મળશે તેની સાથે વેપાર કરવામાં આવશે.
આ પણ વાંચો…યુક્રેને રશિયાના 100 અબજ ડોલરના ક્રુડ-ગેસ ભંડાર ફૂંકી માર્યા