નેશનલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં પ્રથમવાર હરાવ્યું

મુંબઇ: મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૨૧૯ રન અને બીજા દાવમાં ૨૬૧ રન કર્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં ૪૦૬ રન અને બીજા દાવમાં ૨ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્ઝ, રેણુકા સિંહ અને સ્નેહ રાણાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં ૨૧૯ રન જ કરી શકી હતી. દરમિયાન તેના તરફથી તાહિલ મેગ્રાથે અડધી સદી ફટકારી હતી. તેણે ૫૬ બોલનો સામનો કરીને ૫૦ રન કર્યા હતા. મૂનીએ ૪૦ રનની ઇનિંગ રમી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૨૬૧ રન કર્યા હતા. તાહિલ મેગ્રાથે બીજા દાવમાં ૧૭૭ બોલનો સામનો કર્યો અને ૭૩ રન કર્યા હતા. એલિસ પેરીએ ૪૫ રનનું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે પ્રથમ દાવમાં ૪ વિકેટ ઝડપી હતી. તેણે ૧૬ ઓવરમાં ૫૩ રન આપ્યા હતા. જ્યારે સ્નેહ રાણાએ ૨૨.૪ ઓવરમાં ૫૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માને ૨ વિકેટ મળી હતી. સ્નેહ રાણાએ બીજા દાવમાં ૪ વિકેટ ઝડપી હતી. તેણે ૨૨ ઓવરમાં ૬૩ રન આપ્યા હતા. રાજેશ્વર ગાયકવાડ અને હરમનપ્રીતે પણ બે-બે વિકેટ લીધી હતી. પૂજાને એક વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં ૪૦૬ રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓપનર મંધાનાએ ૧૦૬ બોલનો સામનો કરીને ૭૪ રન કર્યા હતા. શેફાલી વર્માએ ૪૦ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. રિચા ઘોષે ૧૦૪ બોલનો સામનો કરીને ૫૨ રન કર્યા હતા. જેમિમાહ રોડ્રિગ્ઝે ૭૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી. દીપ્તિ શર્માએ ૭૮ રન કર્યા હતા. ભારતને જીતવા માટે ૭૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ટીમ ઈન્ડિયા માટે મંધાનાએ બીજી ઈનિંગમાં અણનમ ૩૮ રન કર્યા હતા. રિચા ૧૩ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમિમાએ અણનમ ૧૨ રન કર્યા હતા. આ રીતે ભારતે મુંબઈ ટેસ્ટ ૮ વિકેટે જીતી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button