ઘરમાં જ ઊભી હતી કાર, છતાં FASTag થી કપાયા પૈસા, નિતિન ગડકરીને પત્ર લખી કરી ફરિયાદ
ભોપાલ: અત્યાર સુધી ટોલનાકા પરથી કાર કે અન્ય ફોર વ્હિલર પસાર થાય તો જ FASTag માંથી પૈસા કપાય છે એમ તમે જોયું અને સાંભળ્યું પણ હશે. પણ મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં એક નવો અને અલગ જ કિસ્સો જોવા મળ્યો છે. ઘરની બહાર ઊભી ગાડી એક ગાડીનો 175 કિલો મીટર દૂર ટોલ ટેક્સ કપાયો હતો. ત્યારે હવે આ ગાડીના માલિકે કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીને સીધો પત્ર લખી આ અંગે ફરિયાદ કરી છે.
નર્મદાપુરમના માખનનગર રોડ પર રહેતાં દયાનંદ પચૌરીની કાર (MP 04 CZ 036) ઘરમાં બનેલી દુકાનની સામે ઊભી હતી. 27મી નવેમ્બરના રોજ ગાડીના ફાસ્ટેગથી લગભગ 175 કિલો મીટર દૂર વિદિશાના સિરોજમાં આવેલ ટોલ પ્લાઝા પર 40 રુપિયા કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો. મેસેજ મળતાં જ ટોલ પ્લાઝાના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કોઇ કાર્યવાહી થઇ નહતી.
ત્યારે હવે દયાનંદ પચૌરીએ આ મામલે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીની ઓફિસમાં ફોન કર્યો હતો. તેમની ઓફસીમાંથી આ અંગેની ફરિયાદ કરવા ઇમેલ આઇડી પર મેલ કરવા માટે કહેવામાં આવ્યું. ત્યાર બાદ દયાનંદે ચિઠ્ઠી લખીને ઇમેલના માધ્યમથી સીધા નિતિન ગડકરીને ફરિયાદ કરી છે.
દયાનંદ પચૌરીએ કહ્યું કે, 27મી નવેમ્બરના રોજ હું મારા દુકાન પર હતો. અચાનક મારા મોબાઇલ પર મેસેજ આવ્યો કે વિદિશા પાસે આવેલ સિરોંજ ટોલ નાકા પર મારી ગાડીના ફાસ્ટ ટેગમાંથી 40 રુપિયા કટ થયા છે. જોકે હું આજ સુધી ક્યારેય સિરોંજ ગયો જ નથી. અમે ટોલ ફ્રી નંબર 1035 પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. પણ કોઇ સંતોષકારક જવાબ મળ્યો નહતો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માધ્યમથી કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીનો નંબર મેળવ્યો અને ત્યાર બાદ એ નંબર પર કોલ કર્યો તો તેમની ઓફિસમાંથી ફોન રિસિવ કરવામાં આવ્યો. કેન્દ્રીય પ્રધાનના પીએ એ પચૌરીને કહ્યું કે તમે ઇમેઇલ દ્વારા ફરિયાદ મોકલો અમે તેની તપાસ કરીશું. પણ હજી સુધી ત્યાંથી પણ કોઇ જવાબ આવ્યો નથી.