TEJAS Crash: પહેલીવાર સ્વદેશી TEJAS એરક્રાફ્ટ ક્રેશ, વાયુ સેનાએ કરી પુષ્ટિ

જેસલમેર: રાજસ્થાનના જેસલમેર પાસે ભારતીય વાયુસેના(Indian Airforce)નું તેજસ એરક્રાફ્ટ(Tejas Aircraft) ક્રેશ થતા ભાગદોડ મચી ગઈ છે. અહેવાલો મુજબ એરક્રાફ્ટ જેસલમેર શહેરના લક્ષ્મીચંદ સવાલ કોલોનીમાં આવેલી એક હોસ્ટેલ પાસે ક્રેશ થયું હતું. પ્લેન ક્રેસ થતા ભયાનક વિસ્ફોટ થયો હતો. મહત્વની વાત છે કે પહેવાર સ્વદેશી બનાવટનું તેજસ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. સદભાગ્યે પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતીય વાયુસેનાનું એક તેજસ વિમાન આજે જેસલમેર ખાતે ઓપરેશનલ ટ્રેનિંગ સોર્ટી દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે.”
23 વર્ષ પહેલાં પહેલી ફ્લાઇટ બાદ સ્વદેશી તેજસ જેટ પહેલી વાર ક્રેસ થયું છે. તેજસ લાઇટ કોમ્બેટ સુપરસોનિક એરક્રાફ્ટ છે.
1984 માં ભારત સરકાર દ્વારા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેની દેખરેખ માટે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ની સ્થાપના કરવામાં આવી હતી. ભારત સરકારની પોતાની એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)એ LCAએ તેજસની ડિઝાઇન તૈયાર કરી હતી. વર્ષ 2003માં, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા આ પ્રોગ્રામને સત્તાવાર રીતે ‘તેજસ’ નામ આપવામાં આવ્યું હતું. તેજસ HAL દ્વારા વિકસિત કરવામાં આવેલું બીજું સુપરસોનિક ફાઇટર જેટ છે, જ્યારે પ્રથમ HAL HF-24 Marut છે.
