ગગનયાનના એન્જિનનું સફળ પરીક્ષણ: ઇસરોની ઐતિહાસિક સિદ્ધિ!

બેંગલુરૂ: ઓગસ્ટ 2023માં ઇસરો (Indian Space Research Organization) દ્વારા ચંદ્રયાન 3ને ચંદ્રની કક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે ઇસરો માનવને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે ‘ગગનયાન મિશન’ની જાહેરાત કરીને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં ગગનયાનના એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ગગનયાનના ‘હોટ ટેસ્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ
3 જુલાઈના રોજ ઇસરોએ તમિલનાડુના મહેન્દ્રગિરી સ્થિત પ્રોપલ્શન સંકુલમાં ગગનયાન સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સીસ્ટમ (SMPS)ના બે ‘હોટ ટેસ્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. આ પરીક્ષણ ગગનયાન મિશનની તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. આ પરીક્ષણોનો સમયગાળો એક વખત 30 સેકન્ડ અને બીજી વખત 100 સેકન્ડનો હતો. આ પરીક્ષણનો હેતુ ગગનયાન માટે તૈયાર કરવામાં આવેલી સીસ્ટમની રચના અને કાર્યક્ષમતા તપાસવાનો હતો. આ પરીક્ષણે સાબિત કર્યું કે પ્રોપલ્શન સિસ્ટમ અવકાશ યાત્રા દરમિયાન યોગ્ય રીતે કાર્ય કરશે. આ સફળતા ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન તરફનું બીજું એક મજબૂત પગલું છે.
ગગનયાનની મહત્ત્વપુર્ણ પ્રોપલ્શન સીસ્ટમ
ગગનયાનના પરિક્ષણ અંગે ઇસરોએ જણાવ્યું હતું કે, ‘પરીક્ષણ પહેલાં કરવામાં આવેલા અંદાજ મુજબ સીસ્ટમનું એકંદર પ્રદર્શન સંપૂર્ણપણે સામાન્ય હતું. 100-સેકન્ડ લાંબા પરીક્ષણમાં, બધા રિએક્શન કંટ્રોલ સિસ્ટમ (RCS) થ્રસ્ટર્સ સફળતાપૂર્વક અલગ અલગ રીતે ચલાવવામાં આવ્યા હતા. બધા લિક્વિડ એપોજી મોટર (LAM) એન્જિન પણ એકસાથે સક્રિય કરવામાં આવ્યા હતા. ગગનયાનની આ પ્રોપલ્શન સિસ્ટમ ઇસરોના લિક્વિડ પ્રોપલ્શન સીસ્ટમ સેન્ટર (LPSC) દ્વારા વિકસાવવામાં આવી છે. આ સીસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનો ઉપયોગ અવકાશયાનને ભ્રમણકક્ષામાં યોગ્ય રીતે ફેરવવા અને કટોકટીની સ્થિતિમાં મિશનને અધવચ્ચે રોકવા માટે થાય છે.
પરીક્ષણમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી
ગગનયાનની સીસ્ટમમાં કુલ પાંચ LAM એન્જિન (દરેક 440 ન્યૂટનની શક્તિવાળા) અને 16 RCS થ્રસ્ટર્સ (દરેક 100 ન્યૂટનની શક્તિવાળા) શામેલ છે. આ ‘હોટ ટેસ્ટ’ દરમિયાન અગાઉના પરીક્ષણોમાંથી મેળવેલી માહિતીના આધારે કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. જેથી વાસ્તવિક ઉડાન પરિસ્થિતિઓને વધુ સારી રીતે નકલ કરી શકાય.
ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન
ઉલ્લેખનીય છે કે, ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન છે, જેનો ઉદ્દેશ્ય પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં માનવ મોકલવાની ભારતની ક્ષમતા સાબિત કરવાનો છે. આ મિશનમાંથી મેળવેલો અનુભવ ભવિષ્યના અવકાશ મિશન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.