નેશનલ

કાશ્મીરનાં કિશ્તવાડમાં JeMના આતંકવાદીઓ ઘેરાયા! ઈન્ટરનેટ સેવા સ્થગિત…

શ્રીનગર: જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતીને આધારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચતરૂ વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળોએ એક ઓપરેશન શરુ કર્યો છે. ઓપરેશનને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ઇન્ટરનેટ સર્વિસ સ્થગિત કરવામાં આવી છે.

એહવાલ મુજબ આજે ચતરૂ વિસ્તારના સિંઘપુરા, અરિગામ વેધર અને નાયડગામ ગામમાં સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઓપરેશન દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા ઈન્ટરનેટ સર્વિસનો સંભવિત દુરુપયોગ રોકવા મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ સ્થગિત કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ 30 જાન્યુઆરી રાત્રે 11:59 વાગ્યા સુધી ઈન્ટરનેટ સસ્પેન્શન લંબાવવામાં આવ્યું છે.

આતંકવાદીઓ સતત ભાગી રહ્યા છે:
અહેવાલ મુજબ 18 જાન્યુઆરીના રોજ આતંકવાદીઓને ઠાર કરવા એક ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. મંડરાલ-સિંહપોરા નજીક સોન્નાર જંગલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો અને સાત જવાનો ઘાયલ થયા હતા. આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

તાજેતરમાં પ્રદેશમાં સતત બરફવર્ષા થઇ રહી છે છતાં, સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધવા ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અધિકારીઓએ આપેલી જાણકરી મુજબ 22 જાન્યુઆરીએ માલી દાના ટોપ અને 25 જાન્યુઆરીએ જાનસીર-કંદીવાર ખાતે બે એન્કાઉન્ટર થયા હતાં. હવે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચતરૂ વિસ્તારમાં ઘેર્યા છે.

દરમિયાન, બે શંકાસ્પદ શખ્સોની હાજરીની પ્રાથમિક માહિતી મળતા, સુરક્ષા દળોએ પૂંછ જિલ્લાના સુરનકોટ ક્ષેત્રના પજ્જા મોર, નબાના ટોપ અને નજીકના વિસ્તારોમાં પણ એક અલગ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button