ભારત હવે રશિયાની જગ્યાએ અમેરિકા-વેનેઝુએલામાંથી તેલ ખરીદશે? શું છે સમગ્ર હકીકત…

નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડ્યો હોવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો. તેના માટે એક શરત રાખવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હવે ભારત સરકારે પોતાની તેલ રિફાઇનરીઓને સૂચના આપી છે કે રશિયાની જગ્યાએ અમેરિકા અને વેનેઝુએલામાંથી વધુ કાચું તેલ ખરીદવાનું વિચારે. આમાં કેટલીક હકીકત છે તેમાં હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કે નિવેદન આપવામાં આવ્યું નથી.
શું ભારતે રશિયાઈ તેલ આયાત બંધ કરી દીધી?
અત્રે નોંધનીય છે કે, આ પગલું અમેરિકા સાથેની નવી વેપાર વ્યવસ્થા પછી આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ભારતે રશિયાઈ તેલ આયાત બંધ કરવા પર સહમતિ દર્શાવી છે. સ્પોટ માર્કેટમાં ટેન્ડર જારી કરતી વખતે અમેરિકન તેલને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે વેનેઝુએલાનું તેલ વેપારીઓ સાથે ખાનગી વાટાઘાટથી ખરીદવાનું છે. ભારતની ઊર્જા સુરક્ષા અને આયાત વિવિધતા માટે આ જરૂરી છે. તાજેતરમાં IOC, BPCL અને HPCLએ વેનેઝુએલામાંથી 40 લાખ બેરલ તેલ ખરીદ્યું છે.
ભારતીય રિફાઇનરી કેવી મુશ્કેલી સર્જાશે?
અમેરિકન તેલ હલકું અને ઓછું સલ્ફરવાળું હોવાથી ભારતીય રિફાઇનરીઓ માટે આ વાત મુશ્કેલી સર્જી શકે છે. વધુમાં, લાંબી અંતરને કારણે ભાડું (ફ્રેઇટ) અને કિંમત વધે છે.ભારતીય રિફાઇનરીઓ વાર્ષિક આશરે 20 મિલિયન ટન યુએસ તેલ અથવા દરરોજ લગભગ 400,000 બેરલ લઈ શકે છે, જે ગયા વર્ષ કરતા વધુ હશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, રાજ્ય રિફાઇનરીઓ દર મહિને વેનેઝુએલાના ભારે અને ઉચ્ચ સલ્ફર તેલના મર્યાદિત જથ્થાને જ પ્રક્રિયા કરી શકે છે.
મૂળ વાત એ છે કે, ભારત રાજદ્વારી સંતુલન સાથે તેની ઉર્જા જરૂરિયાતોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભવિષ્યમાં વૈશ્વિક રાજકારણ અને ભાવમાં વધઘટ વચ્ચે ભારત તેની તેલ આયાત વ્યૂહરચના કેવી રીતે સંતુલિત કરે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. હજી આ મુદ્દે વિપક્ષ દ્વારા સરકાર પર અનેક વખત પ્રત્યાક્ષેપો કરવામાં આવ્યાં છે.



