Indian Railways: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો જાણી લો તમારી સાથે આટલા કિલો સામાન જ લઈ શકો છો
ભારતીય રેલ્વે તેની સેવાઓ દિવસેને દિવસે વધુ સારી સેવા આપી રહી છે. લોકો માટે વંદે ભારત સહિત ઘણી નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે અને મુસાફરોને આરામદાયક મુસાફરી આપવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પોતાની સાથે ભારે સામાન પણ લઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનમાં તમે નિયત મર્યાદામાં જ સામાન લઈ જઈ શકો છો. આ માટે રેલવેએ માહિતી આપી છે કે કયા કોચમાં કેટલા કિલો સામાન લઈ જઈ શકાય છે. જો કોઈ નિર્ધારિત મર્યાદા ઓળંગે છે તો તેને દંડ ભરવો પડી શકે છે. આવો આજે અમે તમને એના વિશે માહિતી આપીએ.
રેલ્વેના નિયમો અનુસાર, મુસાફરો એસી ફર્સ્ટ ક્લાસમાં 70 કિલોગ્રામ સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકે છે, જ્યારે એસી 2 ટાયરમાં 50 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે. આ સિવાય તમે AC 3 ટાયર અથવા ચેર કારમાં 40 કિલો સુધીનો સામાન ફ્રીમાં લઈ જઈ શકો છો. સ્લીપર ક્લાસની વાત કરીએ તો, મુસાફરો તેમની ટિકિટ સાથે 40 કિલો સુધીનું વજન લઈ જઈ શકે છે. સેકન્ડ ક્લાસમાં આ મર્યાદા 35 કિગ્રા છે.
ભારતીય રેલ્વે અનુસાર, 100 સેમી x 60 સેમી x 25 સેમી (લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ) ના બાહ્ય માપ ધરાવતા ટ્રંક, સૂટકેસ અને બોક્સને પેસેન્જર કોચમાં સામાન તરીકે લઈ જવાની મંજૂરી છે. જો ટ્રંક, સૂટકેસ અને બોક્સનું માપ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો તમારે આવી વસ્તુઓનું બુકિંગ કરવું જોઈએ અને એને પેસેન્જર ડબ્બામાં નહીં પણ બ્રેક વાનમાં લઇ જવું જોઈએ.
વધુમાં, ટ્રંક/સુટકેસનું મહત્તમ કદ જે AC-3 ટાયર અને AC ચેર કારમાં લઇ જઇ શકાય છે તે 55 સેમી x 45 સેમી x 22.5 સેમી હોવું જોઇએ.
આ ઉપરાંત મુસાફરોને ટ્રેનમાં ઘણી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં રસાયણો, ફટાકડા, ગેસ સિલિન્ડર, એસિડ,ગ્રીસ, ચામડું વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ મુસાફર અંદર પ્રતિબંધિત વસ્તુઓ સાથે મુસાફરી કરતા જોવા મળ્યા તો તેની સામે કલમ 164 હેઠળ કડક કાર્યવાહી કરી શકાય છે.