1 ઓક્ટોબરથી રેલવેનો નવો નિયમ: કન્ફર્મ ટિકિટ માટે આધાર લિંક કરાવવું બન્યું ફરજિયાત

મુંબઈ: ભારતીય રેલવેએ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે. 1 ઓક્ટોબર, 2025થી, IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર સામાન્ય (અનામત) ટિકિટોના ઓનલાઈન બુકિંગની પ્રથમ 15 મિનિટ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત રહેશે.
ભારતીય રેલવે દ્વારા લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય, ટિકિટ બુકિંગ સિસ્ટમમાં માત્ર સાચા મુસાફરો જ ટિકિટ બુક કરી શકે અને પારદર્શિતા જાળવવાનો છે. આ નવો નિયમ માત્ર ઓનલાઈન બુકિંગ માટે જ લાગુ પડશે, જ્યારે PRS કાઉન્ટર પર ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં.
આ પણ વાંચો: ‘આધાર’ વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે
IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની પ્રક્રિયા
સૌપ્રથમ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર તમારા યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગ ઇન કરો. લોગ ઇન કર્યા બાદ, વેબસાઇટના ઉપરના જમણા ખૂણામાં આવેલા “મારું એકાઉન્ટ” પર ક્લિક કરો અને “લિંક યોર આધાર” અથવા “આધાર KYC” વિકલ્પ પસંદ કરો. આપેલા બોક્સમાં તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો. “OTP મોકલો” બટન પર ક્લિક કરો.
તમારા આધાર સાથે લિંક કરેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, જે તમારે વેબસાઇટ પર દાખલ કરવાનો રહેશે. OTP દાખલ કર્યા પછી, “ચકાસણી કરો” પર ક્લિક કરો. જો OTP સાચો હશે, તો તમને “તમારું આધાર તમારા IRCTC એકાઉન્ટ સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે” એવો સંદેશ મળશે.