નેશનલસ્પેશિયલ ફિચર્સ

ભારતીય રેલવેની ગૂમ થયેલી ટ્રેન 43 વર્ષ બાદ મળી, નાસાની એક ભૂલને કારણે…

બર્મ્યુડા ટ્રાયેન્ગલનું નામ તો આપણામાંથી અનેક લોકોએ સાંભળ્યું હશે. બર્મ્યુડા ટ્રાયેન્ગલ વિશેની અનેક સ્ટોરીઝ પણ સાંભળી હશે કે કોઈ પણ ફ્લાઈટ કે જહાજ એના પરથી પસાર થાય તો તે ગાયબ થઈ જાય છે. પરંતુ આજે અમે અહીં તમને જણાવીશું ભારતીય રેલવેની એક એવી ટ્રેન વિશે કે જે 43 વર્ષ સુધી ગાયબ રહી અને આ ટ્રેન એ રીતે ગુમ થઈ ગઈ કે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ આ ટ્રેનને શોધવા લાગી હતી. ચાલો જોઈએ કઈ છે આ ટ્રેન અને શું છે આ પાછળની સ્ટોરી…

ઘટના છે 1976ની. 16મી જૂન, 1976ના સવારે 11.08 કલાકે ભારતીય રેલવેની એક માલગાડીને મહારાષ્ટ્રના અહમદનગરથી આસામના તિનસુકિયા પહોંચવાનું હતું. ટ્રેન પોતાના નિર્ધારિત સમયે અહમદનગરથી ઉપડી પણ આ ટ્રેન તિનસુકિયા રેલવે સ્ટેશન પહોંચી જ નહીં. તિનસુકિયા રેલવે સ્ટેશન પર જગ્યા ના હોવાને કારણે માલગાડીના લોકોપાઈલટે સ્ટેશનથી થોડાક કિલોમીટર પહેલાં ટ્રેક ખાલી થવાની રાહ જોઈ.

તિનસુકિયા ખાતે એ જ સમયે મુશળધાર વરસાદ પડી રહ્યો હતો એટલે ડ્રાઈવરે એન્જિનને રેકથી અલગ કરીને આગળ વધવાનું નક્કી કર્યું. ડ્રાઈવર માલગાડીનું એન્જિન લઈને તિનસુકિયા રેલવે સ્ટેશન પહોંચી ગયો. ડ્રાઈવરે એવું વિચાર્યું કે વરસાદ ધીરો પડશે એટલે તે પાછો જઈને ટ્રેન લઈ આવશે. પરંતુ વરસાદ ધીમો પડ્યો જ નહીં.

ભારે વરસાદને અને પૂર જેવી પરિસ્થિતિને કારણે રેલવે કર્મચારીઓ ટ્રેનની અવરજવરને સામાન્ય રાખવામાં, ટ્રેકનું સમારકામ કરવામાં અને પૂરની સમસ્યામાંથી બહાર આવવાના કામમાં વ્યસ્ત થઈ ગયા. તેઓ ભૂલી જ ગયા કે તેમણે માલગાડીને જંગલમાં ઊભી રાખી છે. પૂરને કારણે રેલવે ટ્રેક, સ્ટેશન વહી ગયું. સ્ટેશન મેનેજર અને કેટલાક કર્મચારીઓની ટ્રાન્સફર થઈ ગઈ.

વર્ષોના વહાણા વીતતા રહ્યા અને જંગલમાં ઊભી રહેલી ટ્રેન તો ભૂલાઈ જ ગઈ. ડિસેમ્બર, 2019માં અચાનક આસામના તિનસુકિયા તરફ લોકોનું ધ્યાન ખેંચાયું. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાની સેટેલાઈટ્સમાં કંઈક એવું જોયું કે અમેરિકાથી લઈને રશિયા સુધી ખળભળાટ મચી ગયો. વાત જાણે એમ છે કે નાસા દ્વારા એશિયા-આફ્રિકા ક્ષેત્રમાં ફોરેસ્ટ કવર મેપ તૈયાર કરવામાં આવી રહ્યો હતો એ સમયે કેમેરામાં તિનસુકિયા નજીક 40 કિમી દૂર એક રેલવે સ્ટેશનની નજીક જંગલમાં એવી તસવીરો ઝડપાઈ જેણે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું.

નાસા દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યા અને તેણે એવો દાવો કર્યો કે ભારતે તિનસુકિયાના જંગલોમાં ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છૂપાવી રાખી છે. અમેરિકન સેટેલાઈટ દ્વારા રશિયા અને ચીન હરકતમાં આવી ગયા. આવ ન દેખા તાવ ન દેખા અને સુરક્ષા એજન્સી, નેશનલ સિક્યોરિટી એજન્સી, રક્ષા મંત્રાલયની મીટિંગો ગોઠવાઈ. ભારતીય એજન્સીએ પણ તિનસુકિયાના જંગલમાં શોધખોળ શરૂ કરી.

તપાસમાં જે પરિણામ આવ્યું એ ચોંકાવનારું હતું કે આ કોઈ મિસાઈલ નહીં પણ ટ્રેન છે. 1976માં રેલવે ડ્રાઈવરની એક ભૂલને કારણે જંગલમાં ગૂમ થઈ ગઈ. પૂરને કારણે ત્યાં સુધી જનારો ટ્રેક ધોવાઈ ગયો અને જંગલની ઝાડીઓએ ટ્રેનને છુપાવી દીધી. આ વિસ્તારમાં માણસોની અવરજવર પણ નહોતી એટલે આ ટ્રેન સાવ જ ભૂલાઈ ગઈ.

આમ અચાનક ચાર દાયકા કરતાં પણ લાંબા સમયથી ગૂમ થયેલી ટ્રેન આખરે એક ખોટા રિપોર્ટને કારણે દુનિયા સામે આવી હતી.

આપણ વાંચો:  દેશના શ્રીમંત મંદિરોમાં કયા સ્થાન પર છે અયોધ્યાનું રામ મંદિર? તિરૂપતિ બાલાજી, પદ્મનાભ સ્વામી મંદિર કરતાં…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button