હવે એક ‘સુપર એપ’થી થશે રેલવેના બધા જ કામ! જાણો શું હશે રેલવેની નવી એપમાં
નવી દિલ્હી: ઓનલાઈન ટીકીટ બૂક કરવા, રેલવે પાસ ખરીદવા અને ટ્રેન ટ્રેક કરવા જેવી વિવિધ સુદીધા માટે અલગ અલગ મોબાઈલ એપથી કંટાળેલા રેલવે મુસાફરો મારે આનંદના સમાચાર છે.
ઇન્ડિયન રેલવે વિવિધ પેસેન્જર સર્વિસ એક જ પ્લેટફોર્મ પર મળી રહે એ માટે એક ‘સુપર મોબાઇલ એપ’ (Indian Railway new mobile app) તૈયાર કરી રહી છે, જે ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ આ વર્ષના અંત સુધીમાં ‘સુપર એપ’ લોન્ચ કરવામાં આવશે.
આ એપ્લિકેશન યુઝર્સને ટિકિટ બુક કરવા, પ્લેટફોર્મ પાસ ખરીદવા અને ટ્રેનના ટાઈમટેબલને મોનિટર કરવાની સુવિધા આપશે. નવી એપ્લિકેશન સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન (CRIS) દ્વારા વિકસાવવામાં આવી રહી છે, જે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(IRCTC) ની હાલની સિસ્ટમ સાથે કામ કરશે.
હાલમાં, રેલવે મુસાફરો વિવિધ સેવાઓ માટે અલગ અલગ એપ્લિકેશન અને વેબસાઇટ્સનો ઉપયોગ કરે છે, જેમાં ટિકિટ માટે IRCTC Rail Connect, ફૂડ ડીલીવરી માટે IRCTC eCatering Food on Track, ફિડબેક માટે Rail Madad, અનરિઝર્વ્ડ ટિકિટ માટે UTS અને ટ્રેન ટ્રેકિંગ માટે National Train Enquiry Systemનો સમાવેશ થાય છે.
જો કે, આ એપ્લીકેશન અંગે રેલવે વિભાગ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
IRCTC રેલ કનેક્ટ પાસે રિઝર્વ્ડ ટિકિટ બુકિંગ માટે વિશેષાધિકાર. તેથી, 100 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ સાથે, તે રેલ્વેની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન છે. થર્ડ-પાર્ટી ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ પણ ટ્રેન બુકિંગ માટે IRCTC પર આધાર રાખે છે.
નાણાકીય વર્ષ 2023-24 માટે, IRCTCએ રૂ. 1,111.26 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 4,270.18 કરોડની આવક નોંધાવી હતી.