નેશનલ

Video: કિર્ગિસ્તાનમાં ભારતીય શ્રમિકો સાથે ‘પ્રાણીઓ જેવો’ વ્યવહાર, મોદી સરકારને કરી આ અપીલ

નવી દિલ્હીઃ ભારતમાંથી અનેક લોકો બીજા દેશમાં કામ કરવા માટે જતા હોય છે. ઘણી વખત એવા સમાચાર પ્રકાશમાં આવે છે કે, ત્યા આ મજૂરોને હેરાન કરવામાં આવતા હોય છે. આવી જ એક ફરી પ્રકાશમાં આવી છે. ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના 12 મજૂરો કિર્ગિસ્તાનમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. કિર્ગિસ્તાનમાં ઉત્તર પ્રદેશના બાર મજૂરોને પરેશાન અને ટોર્ચર કરવામાં આવી રહ્યાં, તેમનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાથી તેમણે ભારત સરકાર પાસે મદદ માંગી છે.

કિર્ગિસ્તાનમાં ફસાયેલા લોકોએ પરિવારોજનોને વીડિયો મોકલ્યો

આ મામલે વિગતો આપતા પીલીભીત જિલ્લાધિકારી જ્ઞાનેન્દ્રસિંહે કહ્યં કે, ગૃહ વિભાગ દ્વારા આ અંગે જાણકારી માંગવામાં આવી હોવાથી એસબીને તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં હોવાથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કિર્ગિસ્તાનમાં ફસાયેલા 12 લોકોની સંપૂર્ણ જાણકારીનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપી દેવામાં આવ્યો છે. જેથી હવે આ નાગરિકોને પાછા લાવવા માટે સરકાર દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કિર્ગિસ્તાનમાં ફસાયેલા લોકોએ પરિવારોજનોને વીડિયો મોકલ્યો હતો. જેમાં તેઓ બચાવી લેવાની અપીલ કરી રહ્યાં હતાં. આ લોકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, વિદેશમાં તેમને ટોર્ચર કરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં પરંતુ લોકલ એજન્ટો તેમને પાછા લવવા માટે રૂપિયા 2 લાખની માંગણી કરી રહ્યાં છે. આ 12 લોકોના પરિવારજનો વારંવાર પોલીસ સ્ટેશન જઈને મદદ કરવા માટે અપીલ કરી રહ્યાં છે. છેલ્લા એક અઠવાડિયાથી પરિવારજનો પોલીસ સ્ટેશન આવીને આ લોકોને ત્યાથી પાછા લાવવા માટે આજીજી કરી રહ્યાં છે.

આ 12 મજૂરો કિર્ગિસ્તાનમાં ફસાયા છે

વિગતે વાત કરવામાં આવે તો, રવિ કુમાર, અજય, ચંદ્રપાલ, સંતરામ, રોહિત, રમેશ, હરસ્વરૂપ, શ્યામચરણ, સંજીવ, પ્રેમપાલ, રામઆસરે અને હરિશંકર નામના 12 મજૂરોને ત્રણ મહિલાના પહેલા સ્થાનિક એજન્સી ચલાવતા એજન્ટોએ કિર્ગિસ્તાનમાં મોકલ્યાં હતાં. ત્રણ મહિના પહેલા લાલચ આપીને માત્ર 59 દિવસના વિઝા પર તે લોકોને કિર્ગિસ્તાન મોકલવામાં આવ્યાં હતાં. હવે આ એજન્ટો આ મજૂરોને પાછા લાવવા માટે પ્રતિમજૂરે 2.5 લાખ રૂપિયા માંગી રહ્યાં છે.

કિર્ગિસ્તાનમાં આ મજૂરો સાથે પ્રાણીઓ જેવું વર્તન

કિર્ગિસ્તાનમાં આ મજૂરોને ટોર્ચર કરવામાં આવી રહ્યાં છે. પ્રાણીઓની જેમ તેમની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. ભોજન પણ સરખી રીતે આપવામાં આવતું નથી. એટલું જ નહીં પરંતુ તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી રહી હોવાના આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. જેથી ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગ દ્વારા આ મામલે જિલ્લા એસપીને તપાસ સોંપવામાં આવી છે. પોલીસે અત્યારે પરિવારજની લેખિતમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ મામલે પીલીભીત જિલ્લાધિકારી દ્વારા તપાસનો રિપોર્ટ સરકારમાં આપી દેવામાં આવ્યો છે. જેથી હવે સરકારે આ લોકોને પાછા લાવવાની કામગીરી શરૂ કરવાની છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button