યુએસમાં ભારતીય મૂળના ફોરેન પોલિસી એડવાઇઝર એશ્લે ટેલિસની ધરપકડ

વોશિંગ્ટન ડી સી: યુએસમાં ભારતીય મૂળના ફોરેન પોલિસી એડવાઇઝર અને ડિફેન્સ સ્ટ્રેટેજીસ્ટ એશ્લે ટેલિસની ટેલિસની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર ગેરકાયદેસર રીતે રાષ્ટ્રીય સંરક્ષણને લગતા ગુપ્ત દસ્તાવેજો રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવો પણ આરોપ છે કે તેઓ ઘણીવાર ચીની અધિકારીઓને મળ્યા હતાં.
વર્ષ 2001 થી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સના સલાહકાર તરીકે સેવા આપી રહેલા ટેલિસ પર 13 ઓક્ટોબરના રોજ વર્જિનિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યા હતાં. તાપસ દરમિયાન ટેલિસના વર્જિનિયામાં આવેલા ઘરેથી 1,000 થી વધુ પાનાના સિક્રેટ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. 11 ઓક્ટોબરના રોજ સર્ચ દરમિયાન ફેડરલ એજન્સીના અધિકારીઓને આ દસ્તાવેજો મળી આવ્યા હતાં.
હજારો પાના પ્રિન્ટ કર્યા:
નોંધનીય છે કે એશ્લે ટેલિસ પાસે ટોપ સિક્રેટ સિક્યોરિટી ક્લિયરન્સ છે અને તેની પાસે સેન્સેટીવ કમ્પાર્ટમેન્ટ માહિતીની પણ ઍક્સેસ છે. FBIના જણાવ્યા મુજબ 25 સપ્ટેમ્બરના રોજ ટેલિસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના હેરી એસ ટ્રુમેન બિલ્ડિંગમાં આવેલી કમ્પ્યુટર સિસ્ટમ્સને ઍક્સેસ કરતા જોવા મળ્યા હતાં. ટેલિસે કેટલાક ડોક્યુમેન્ટ પ્રિન્ટ પણ કર્યા હતાં, જેમાં યુએસ એરફોર્સ રણનીતિઓ સંબંધિત 1,288 પાનાની ફાઇલનો પણ સમાવેશ થાય છે.
એશ્લે ટેલિસનો જન્મ ભારતમાં થયો હતો અને હાલ તેઓ યુએસના નાગરિક છે. ભારત સાથેની નીતિ અંગે તેમને એક્ષ્પર્ટ માનવામાં આવે છે. ભારત-અમેરિકા સિવિલ ન્યુક્લિયર ડીલ કરાવવા માટે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશના ખાસ સહાયક રહી ચુક્યા છે.