ન્યૂ જર્સીમાં ભારતીય મૂળના ડોક્ટર પર ગંભીર આરોપ: શારીરિક સંબંધના બદલામાં ડ્રગ્સ આપવાનો કેસ

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય મૂળના ડોક્ટર પર ગંભીર તબીબી છેતરપિંડી, ઓપીઓઇડ્સનું ગેરકાયદે વિતરણ અને શારીરિક સંબંધના બદલામાં દવાઓ લખી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ માહિતી યુએસ એટર્નીની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં બહાર આવી છે.
શુક્રવારે ન્યૂ જર્સી ડિસ્ટ્રિક્ટની યુ.એસ. અટર્ની ઓફિસ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સેકોકસનો રહેવાસી ૫૧ વર્ષીય રિતેશ કાલરા તેના ક્લિનિકમાં પિલ મિલ ચલાવતો હતો. જ્યાં તે કથિત રીતે કોઇપણ તબીબી સમર્થન વિના દર્દીઓને ઓક્સીકોડોન જેવી શક્તિશાળી ઓપીઓઇડ દવાઓ લખી આપતો હતો.
આ પણ વાંચો: યુવતી પર બળાત્કારના આરોપસર યુવાનની ધરપકડ
ફરિયાદીઓનો દાવો છે કે કાલરાએ તેમના મેડિકલ લાઇસન્સનો ઉપયોગ સારવાર માટે નહીં, પરંતુ ડ્રગ્સના વ્યસનથી પીડાતા નબળા દર્દીઓને પોતાનો શિકાર બનાવવા માટે કર્યો હતો. કાલરા પર એવો પણ આરોપ છે કે જાન્યુઆરી ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન તેણે ૩૧,૦૦૦થી વધુ ઓક્સીકોડોન પ્રિસ્ક્રિપ્શન જારી કર્યા હતા. જેમાં કેટલાક દિવસોમાં ૫૦થી વધુ પ્રિસ્ક્રિપ્શનો લખાયા હતા.
કાલરા પર ખોટી વ્યક્તિગત મીટિંગ્સ અને કાઉન્સેલિંગ સત્રો માટે કથિત રીતે બિલ બનાવવાનો આરોપ છે. આ કેસ પેન્ડિંગ હશે ત્યાં સુધી કાલરા પ્રેક્ટિસ કરી શકશે નહીં. ન્યૂ યોર્ક ડેઇલી ન્યૂઝના અહેવાલ મુજબ તેમના વકીલ માઇકલ બાલ્ડાસરે આરોપોને નકારી કાઢ્યા છે.