ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને રોકવામાં આવેલી ઓલિમ્પિક ગ્રાન્ટ પરત મળવાની આશા

નવી દિલ્હી: આંતરિક ઝઘડાને દૂર કર્યા પછી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) હવે ઓલિમ્પિક સોલિડેરિટી ગ્રાન્ટ પાછી મેળવવાની આશા રાખી રહ્યું છે, જેને ગયા વર્ષે દેશની સર્વોચ્ચ રમત સંસ્થામાં આંતરિક ઝઘડાને કારણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) દ્વારા બંધ કરવામાં આવી હતી. ગયા વર્ષે 8 ઓક્ટોબરે આઈઓસીના એક્ઝિક્યુટિવ બોર્ડે ખેલાડીઓના વિકાસ કાર્યક્રમો માટે આપવામાં આવતી ગ્રાન્ટ બંધ કરી દીધી હતી. આ ગ્રાન્ટ આઇઓએની 26 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી એક બેઠક બાદ રોકવામાં આવી હતી જેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 12 સભ્યોએ રમત સંસ્થાના સીઈઓ તરીકે રઘુરામ ઐયરની નિમણૂકની પુષ્ટી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
પરંતુ હવે વિવાદનો અંત આવ્યો છે અને આઈઓએના પ્રમુખ પીટી ઉષાને આશા છે કે આઈઓસી ટૂંક સમયમાં ગ્રાન્ટ જાહેર કરશે. 24 જૂલાઈના રોજ ઉષા અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના બહુમતી ધરાવતા બળવાખોર સભ્યો વચ્ચે સમજૂતી થયા બાદ બુધવારે એક ખાસ સામાન્ય સભા (એસજીએમ) અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો: National Games: ઓલિમ્પિક એસોસિયેશને ખેલાડીઓની સુરક્ષા માટે શરૂ કરી હેલ્પલાઇન
ઉષાએ ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની દાવેદારીને મંજૂરી આપવા માટે બોલાવવામાં આવેલી આઇઓએની એસજીએમ દરમિયાન પીટીઆઇને કહ્યું હતું કે આઇઓસીને ખુશી થશે કે અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે અત્યાર સુધી ઘણું કર્યું છે અને અમે ફરી બેઠક કરીશું.તેઓ એ (આઇઓસી) જે કંઈ રોક્યું છે તે હવે અમારી પાસે આવશે. તેમણે અમારી ઓલિમ્પિક સોલિડેરિટી ગ્રાન્ટ રોકી દીધી છે. અમે ખાસ સામાન્ય સભાની રાહ જોઈ રહ્યા હતા. અમે તેમને એક રિપોર્ટ આપીશું અને પછી તેઓ પૈસા જાહેર કરશે.તે (ઓલિમ્પિક સોલિડેરિટી) નાની રકમ નથી. તે 15 કરોડ રૂપિયા છે. અમને તે મળશે.
ઓલિમ્પિક સોલિડેરિટી તમામ રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓને સહાય પૂરી પાડે છે જે ઓલિમ્પિક રમતોના પ્રસારણ અધિકારોનો એક ભાગ છે અને તેનો ઉપયોગ ખેલાડીઓના વિકાસ કાર્યક્રમો માટે થાય છે. આઇઓની જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની બિડને મંજૂરી આપી હતી. ભારત આ સ્પર્ધાનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. ઐયરે કહ્યું હતું કે જો ભારતને યજમાન પદ મળે છે તો તેઓ ખાતરી કરશે કે આ સ્પર્ધા ટેકનોલોજી-આધારિત હોય અને તેમાં એઆઇનો ઉપયોગ કરવામાં આવે.
આ પણ વાંચો: રમતગમત ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા: નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ છ મહિનામાં લાગુ થશે
તેમણે કહ્યું હતું કે “2030 કોમનવેલ્થ ગેમ્સ ટેકનોલોજી-આધારિત હશે અને એઆઇનો સમાવેશ કરવા પર ભાર મૂકવામાં આવશે.” નવા આઇઓસી પ્રમુખ ક્રિસ્ટી કોવેન્ટ્રીએ જાહેરાત કરી છે કે ઓલિમ્પિક યજમાન પસંદગી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને ભાવિ યજમાનની પસંદગી માટે ‘યોગ્ય સમય’ નક્કી કરવા માટે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી રહી છે. 2036 ઓલિમ્પિક્સ માટે બિડ કમિટી ક્યારે રચાશે તે પૂછતાં તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે હવે બધું જ રચાશે. કમિટીની ફક્ત કેટલીક રૂપરેખાઓ છે. તમને ટૂંક સમયમાં તેના વિશે ખબર પડશે.”