મેહુલ ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની તૈયારીમાં જ હતો, ભારતીય અધિકારીઓએ આ રીતે રોક્યો

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (PNB) માં લોન કૌભાંડ આચરવાના કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત પરત લાવવાની દિશામાં મોટી સફળતા મળી છે, અહેવાલ મુજબ બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરી (Mehul Choksi arrested in Belgium) છે. મેહુલ ચોક્સી તબીબી સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો, એ પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018 અને 2021 માં મુંબઈ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા બે બિન-જામીનપાત્ર વોરંટના આધારે બેલ્જિયમના અધિકારીઓએ ચોક્સીની ધરપકડ કરી છે.
મેહુલ ચોક્સી પર આરોપ છે કે તેણે તેના ભત્રીજા નીરવ મોદી, તેની પત્ની અમી મોદી અને તેના ભાઈ નીશલ મોદી સાથે મળીને ભારત સરકારની માલિકીની પંજાબ નેશનલ બેંકમાં 12,636 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
આ પણ વાંચો: પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, પ્રત્યાર્પણની માંગ
આ રીતે એન્ટિગુઆની નાગરિકતા મેળવી
વર્ષ 2018 માં, ચોક્સી ભારત છોડીને ભાગી ગયો અને કેરેબિયન ટાપુ દેશ એન્ટિગુઆની નાગરિકતા મેળવી લીધી હતી, ભારત સરકાર ત્યારથી તેને ભારત પરત લાવવા પ્રયત્ન કરી રહી છે. મેહુલ ચોક્સી મોટું રોકાણ કરીને એન્ટિગુઆની નાગરિકતા મેળવી હતી.
આ રીતે બેલ્જીયમમાં પ્રવેશ્યો
ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ તેને બેલ્જિયમથી F રેસિડેન્સી કાર્ડ મળ્યું હતું. તેણે તેની પત્ની પ્રીતિ ચોક્સીના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો, પ્રીતિ બેલ્જિયમની નાગરિક છે. મેહુલ ચોકસીએ તબીબી સારવારના બહાને બેલ્જિયમ સરકારને ગેરમાર્ગે દોરી. મેહુલ ચોક્સી બનાવટી અને ખોટા દસ્તાવેજોનો રજુ કર્યા અને બેલ્જીયમ પહોંચ્યો. જો કે, તેણે ભારતીય કે એન્ટિગુઆ નાગરિકતાનો ત્યાગ કર્યો નથી, પરંતુ તેમ છતાં તેણે બેલ્જિયમના અધિકારીઓ પાસેથી F રેસિડેન્સી કાર્ડ માટે અરજી કરી હતી. બેલ્જિયમ સરકારે તેને મંજુરી આપી દીધી હતી.
ભારતીય અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરી
ચોક્સી તેના F રેસીડેન્સી સ્ટેટસને F+ રેસીડેન્સી કાર્ડમાં અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યો છે, આ વાતની જાણ ભારતીય એજન્સીઓને થઇ. જો ચોક્સી F+ રેસીડેન્સી કાર્ડ મળી જાય તો બેલ્જિયમથી તેનું પ્રત્યાર્પણ વધુ મુશ્કેલ બની શકે એમ હતું, એટલા માટે ભારતીય અધિકારીઓએ તેના પ્રત્યાર્પણ માટે ઝડપથી કાર્યવાહી કરી. બેલ્જિયમના અધિકારીઓએ ચોકસીના F રેસીડેન્સી કાર્ડને F+ સ્ટેટસમાં અપગ્રેડ કરવા પર રોક લગાવી.
સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્લાન
બેલ્જીયમમાં ધરપકડના ડરે ચોક્સીએ સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે સ્પેશિયલ કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર હિર્સલેન્ડેન ક્લિનિક આરાઉમાં સારવાર માટે અરજી કરી હતી. તેણે પ્રવેશ લગભગ મેળવી લીધો હતો અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી. જોકે, તે બેલ્જિયમ છોડે એ પહેલાં જ એન્ટવર્પના અધિકારીઓ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. તેણે તબિયત અને માનવતાવાદી આધારોનો ઉલ્લેખ કરીને સ્વિટ્ઝર્લૅન્ડમાં તાત્કાલિક તબીબી સારવાર માટે ફરીથી અરજી કરી હતી.
ચોક્સી હાલમાં બેલ્જિયમની જેલમાં બંધ છે અને તેની જામીન અરજીની સુનાવણી એક અઠવાડિયા પછી થશે. આ સમયગાળા દરમિયાન તે જેલમાં જ રહેશે.