
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુશ્મન દેશને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વકર્યો હતો અને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભારતની કાર્યવાહીથી છંછેડાયેલા પાકિસ્તાને અનેક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ ભારતીય સેનાએ આધુનિક ડિફેન્સ સિસ્ટમથી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા.
ભારતીય સેનાની સાથે ભારતીય નેવીએ પણ વીડિયો જારી કરીને પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. ભારતીય નેવીએ દરિયામાં વૉરશિપની જોરદાર એકશન બતાવી છે. ભારતીય નેવીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે હવે આજીજી નહીં, યુદ્ધ થશે.
આ પણ વાંચો: ભારતીય નેવીનું અદભૂત પરાક્રમ, હુતી મિસાઈલ હુમલાનો શિકાર બનેલા તેલ જહાજને બચાવી લીધું
નેવીએ વીડિયોના કેપ્શનમાં ગીતાનો શ્લોક પણ લખ્યો છે. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् – એટલેકે સાધુઓ (ભક્તો)ની રક્ષા માટે અને દુષ્ટોના વિનાશ માટે. ભારતીય નેવીએ પાકિસ્તાનને સંદેશ આપ્યો છે કે દેશની રક્ષા અને દુષ્ટોના વિનાશ માટે ભારતીય નેવી હંમેશા તૈયાર છે. મોદી સરકારના એક ઈશારા પર પાકિસ્તાનના અનેક ઠેકાણા તબાહ કરી શકે છે.
ભારતીય નેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરીને લખ્યું, સાહસ અને કર્તવ્યને માર્ગદર્શક માનીને ભારતીય નેવી શાંતિ સુનિશ્ચિત કરવા અને તમામ ખતરાનો નાશ કરવા તૈયાર છે. ભારતીય નેવીએ આ વીડિયોમાં રાષ્ટ્ર કવિ દિનકરની એક કવિતા યાચના નહીં, અબ રણ હોગા….ની પંક્તિ પણ ટાંકી છે.