ઇન્ડિયન આઇડલ-3 ના વિજેતા ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે નિધન, ચાહકો શોકગ્રસ્ત

નવી દિલ્હી: મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. સિંગિંગ રિયાલિટી શોમાં ઇન્ડિયન આઇડલ 3 ના વિજેતા ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. અચાનક પ્રશાંતના મૃત્યુના સમાચાર મળતા તેના ચાહકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રશાંતનો જન્મ 4 જાન્યુઆરી, 1983ના રોજ સિક્કિમના દાર્જિલિંગમાં થયો હતો. બાળપણમાં જ તેના પિતાની છત્રછાયાં ગુમાવી હતી. પ્રશાંત કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો હતો, આ દરમિયાન તેણે પોલીસ ઓર્કેસ્ટ્રામાં સંગીતની તાલીમ લેતો રહ્યો.
ઇન્ડિયન આઇડલ 3માં તમાંગના સહ-સ્પર્ધક ભાવેન ધનકે પુષ્ટિ કરતા જણાવ્યું કે આજે સવારે દિલ્હીમાં પ્રશાંતનું અવસાન થયું.
દાર્જિલિંગના સાંસદે શોક વ્યક્ત કર્યો:
દાર્જિલિંગના ભાજપ સાંસદ રાજુ બિસ્તાએ પ્રશાંત તમાંગના અચાનક અવસાન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું, “લોકપ્રિય ગાયક અને અભિનેતા પ્રશાંત તામાંગના અકાળ અવસાનથી ગોરખા સમુદાય, કલા અને સમગ્ર સંગીત જગત સ્તબ્ધ છે અને શોકમાં ડૂબેલું છે.”
રાજુ બિસ્તાએ જણાવ્યું કે વર્ષ 2007 માં ઇન્ડિયન આઇડલ સ્પર્ધા જીતીને પ્રશાંતે ભારતમાં રહેતા ગોરખા સમુદાયને ગૌરવ અપાવ્યું હતું, પ્રશાંતે નેપાળી સંગીત અને ગીતોને પણ ભારતીયો સુધી પહોંચાડ્યું હતું.
મમતા બેનર્જીએ દુખ વ્યક્ત કર્યું:
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ પ્રશાંતના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. X પર એક પોસ્ટ કરીને તેમણે લખ્યું, “‘ઇન્ડિયન આઇડલ’ ફેમના લોકપ્રિય ગાયક અને રાષ્ટ્રીય સ્તરે જાણીતા કલાકાર પ્રશાંત તમંગના આજે અચાનક અને અકાળ અવસાનથી દુઃખી છું. દાર્જિલિંગની પહાડીઓમાં તેમના મૂળ અને કોલકાતા પોલીસ સાથે એક સમયના જોડાણને કારણે તેઓ બંગાળમાં અમારા માટે પ્રિય રહ્યા હતા. હું તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકોને ત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”
ગાયકથી અભિનેતા સુધીની સફર:
ઇન્ડિયન આઇડલ ૩માં વિજેતા બન્યા બાદ પ્રશાંતે ‘ધન્યવાદ’ નામનો આલ્બમ લોન્ચ કર્યો હતો. પ્રશાંતના ‘બીર ગોરખાલી’ અને ‘અસારે મહિનામા’ જેવા ગીતો ખુબજ લોકપ્રિય રહ્યા, જે ગોરખા સમુદાયના સાંસ્કૃતિક મહત્વ પર આધારિત હતાં. તેણે ભારત ઉપરાંત વિદેશમાં અનેક મ્યુઝિક કોન્સર્ટ્સ કર્યા હતાં.
સિંગિંગ ઉપરાંત પ્રશાંતે અભિનય ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી હતી. તેણે 2010 માં રિલીઝ થયેલી નેપાળી હિટ ફિલ્મ ગોરખા પલટનમાં ડેબ્યું કર્યું, ત્યાર બાદ અંગલો યો માયા કો, કિના માયા મા, નિશાની, પરદેશી અને કિના માયામા જેવી સ્થાનિક ફિલ્મોમાં અભિનય કર્યો.
પ્રશાંત અંબર ધારા ટિવી સિરિયલમાં દેખાયો હતો. હાલમાં તે પાતાલ લોક સીઝન-2 વેબ સિરીઝમાં ડેનિયલ લેચોની ભૂમિકામાં ભજવી હતી.
પ્રશાંતે તાજેતરમાં સલમાન ખાન સ્ટારર ફિલ્મ બેટલ ઓફ ગલવાનમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ 17 એપ્રિલ, 2026 ના રોજ રિલીઝ થવાની છે. પ્રશાંતના ચાહકો માટે આ ફિલ્મ યાદગાર રહેશે.



