ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર ભારત સરકાર લગાવશે પ્રતિબંધ, ગૂગલ અને એપલને આપ્યા આદેશ

ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્સનો રાફડો ફાટ્યો છે આ સાથે સાથે સાઈબર ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ ભારતમાં તમામ પ્રકારની ઇન્સ્ટન્ટ લોન એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ માટે સરકારે ગૂગલ અને એપલને આદેશ આપ્યા છે. લોન એપ દ્વારા લોકો સાથે કરવામાં આવી રહેલી છેતરપિંડી બાબતે સરકારે આ નિર્ણય લીધો છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “આજે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર ઘણી એપ્લિકેશન્સ છે જેનો ભારતીય યુઝર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. અમે લોન એપ્લિકેશનના એક સેટને ટ્રેક કરી રહ્યા છીએ.”
તેણે વધુમાં કહ્યું કે, “અમે ગૂગલ અને એપલ બંનેને સલાહ આપી છે કે તેઓ સ્ટોર પર અસુરક્ષિત એપ્લિકેશન અથવા ગેરકાયદેસર એપ્લિકેશન્સની લિસ્ટ ન કરે. તમામ ‘ડિજિટલ નાગરિકો’ માટે ઈન્ટરનેટને સુરક્ષિત અને વિશ્વસનીય રાખવાનો અમારી સરકારનો હેતુ અને મિશન છે.”
રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આવી એપ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે, શક્ય તેટલી વહેલી તકે આરબીઆઈ સાથે બેઠક યોજવામાં આવશે અને લિસ્ટ બનાવવામાં આવશે. તે લિસ્ટ આવ્યા પછી ફક્ત જે સૂચિમાં શામેલ હશે એ એપ્લિકેશનો જ ઈન્સ્ટન્ટ લોન આપી શકશે. આ માટે માપદંડ બનાવવામાં આવશે.