ઓગસ્ટ મહિનાના અંત સાથે ઇન્ડિયા પોસ્ટની આ સર્વિસ બંધ થશે; આ કારણે લેવાયો નિર્ણય…

નવી દિલ્હી: ભારત સરકારની ઇન્ડિયા પોસ્ટ તેની ‘રજિસ્ટર્ડ પોસ્ટ’ સર્વિસ બંધ કરવા જઈ રહી છે. ઇન્ડિયા પોસ્ટ 1 સપ્ટેમ્બર 2025થી રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસને સંપૂર્ણપણે બંધ કરશે અને આ સર્વિસનું સ્પીડ પોસ્ટ સર્વિસમાં વિલીનીકરણ થઇ (India Post to merge register post with speed post) જશે. એક સદીથી જૂની રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસ સાથે લાખો લોકો ભાવાત્મક રીતે જોડાયેલા છે, તેથી તેમના માટે આ ફક્ત એક સર્વિસનો અંત નથી પરંતુ એક યુગનો અંત છે.
નોંધનીય છે નોકરીની ઓફર, કાયદાકીય નોટિસ, સરકારી નોટીસ અથવા કોઈપણ અભિનંદન પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલવામાં આવતા, આ સર્વિસ વિશ્વસનીયતા અને ચોક્કસાઈના પ્રતીક સમાન હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી કુરિયરના વધતા વ્યાપને કારણે આ સર્વિસનો વાપરશ સતત ઘટતો ચાલ્યો છે.
વિલીનીકરણ શા માટે કરવામાં આવી રહ્યું છે?
આધુનિક સમયને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા પોસ્ટે રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ વિભાગના જણાવ્યા મુજબ આ વિલીનીકરણ પરિચાલન કામગીરીને સુવ્યવસ્થિત કરવા, વધુ સારી ટ્રેકિંગ સર્વિસ આપવા અને ગ્રાહકોની સુવિધામાં વધારો થાય એ માટે કરવામાં આવી રહ્યું છે. આજના જમાનામાં ખાનગી કુરિયર કંપનીઓની સર્વિસ સતત આધુનિક થઇ રહી રહી છે, ત્યારે ગ્રાહકોની જરૂરીયાતો પણ બદલાઈ રહી છે.
ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધશે!
વિલીનીકરણ થઇ ગયા બાદ આ સર્વિસનો કાયમ ઉપયોગ કરનારા લોકોના ખિસ્સા પર અસર થઇ શકે છે. રજિસ્ટર્ડ સેવા પહેલા વિશ્વસનીય અને સસ્તી હતી, 1 સપ્ટેમ્બર પછી લોકોને સ્પીડ પોસ્ટ માટે વધુ રૂપિયા ચુકવવા પડશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ રજિસ્ટર્ડ પોસ્ટની તમામ ગાઈડલાઈન્સમાં 31 જુલાઈ સુધીમાં સુધારો કરવાની જરૂર છે. આમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ટ્રેનીંગ અને ટેકનીકલ ડોકયુમેન્ટ દસ્તાવેજો વગેરેનો સમાવેશ થાય છે. રજિસ્ટર્ડ પોસ્ટ અથવા એક્નોલેજમેન્ટ ડ્યુ જેવા શબ્દો હવે સ્પીડ પોસ્ટ શબ્દથી બદલવામાં આવશે.
અહેવાલ મુજબ રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસ બ્રિટિશ યુગમાં શરુ થઇ હતી. સરકારી વિભાગો, બેંકો, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ રજિસ્ટર્ડ પોસ્ટ સિસ્ટમનો ભરપુર ઉપયોગ કર્યો છે, હવે તેના બદલે સ્પીડ પોસ્ટનો ઉપયોગ કરવામાં આવશે.