
લાહોરઃ પાકિસ્તાનમાં કરાંચ જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને શનિવાર મુક્ત કરવામાં આવ્યા હતા. વાઘા બોર્ડર પર તેમને ભારતીય સત્તાધીશોને સોંપવામાં આવ્યા હતા. મુક્ત કરવામાં આવેલા માછીમોરાનો કરાંચીથી સ્પેશિયલ બસમાં ઈદી ફાઉન્ડેશન દ્વારા લાવવામાં આવ્યા હતા. ઈદી ફાઉન્ડેશન દ્વારા દરેક ભારતીય માછીમારને 5000 રૂપિયા, જમવાનું અને ગિફ્ટ આપવામાં આવી હતી.
મુક્ત કરવામાં આવેલા માછીમારોના નામ
કરાચીમાંથી મુક્ત કરાયેલા ભારતીય માછીમારોમાં ભૂપત, માલા, કૃષ્ણા, ખાલાફ, મોહન, આસિફ, અશોક, અકબર, લખમાન, મોજી, દીપક, રામ, હરિ, તપુ, સુરેશ, વિજય, મનોજ કુમાર, વીનુ, મહેશ, સુભાષ, સંજય અને શૈલેન્દ્રનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા કરાચી જેલના સુપ્રિટેન્ડેન્ટ અરશદ શાહે માહિતી આપી હતી કે માછીમારોને તેમની સજા પૂર્ણ થયા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
બંને દેશોના માછીમારો માછીમારી કરતી વખતે દરિયાઈ સરહદો પાર કરે છે અને એકબીજાના પાણીમાં પ્રવેશ કરે છે જ્યાં તેમની ધરપકડ કરવામાં આવે છે. એદી ફાઉન્ડેશનના અધ્યક્ષ ફૈઝલ એદીએ ભારત અને પાકિસ્તાન બંનેને આકસ્મિક રીતે દરિયાઈ સરહદ પાર કરનારા માછીમારો પ્રત્યે વધુ દયાળુ અભિગમ અપનાવવા વિનંતી કરી હતી. 1 જાન્યુઆરીએ બંને દેશો વચ્ચે થયેલા આદાન-પ્રદાનની યાદી અનુસાર, પાકિસ્તાનમાં 217 માછીમારો સહિત 266 ભારતીય કેદીઓ છે. ભારતીય જેલોમાં કુલ 462 પાકિસ્તાની કેદીઓ છે, જેમાં 81 માછીમારો છે.
Also read: ગુજરાતી માછીમારના પાકિસ્તાનમાં મોતના અહેવાલ વચ્ચે 22 માછીમારને મુક્ત કરાયા
પાકિસ્તાનથી માછીમારોને પરત લાવવામાં આવ્યા
વિદેશ મંત્રાલય દ્વારા 12 ડિસેમ્બર, 2024ના રોજ લોકસભામાં આપવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે 2014થી અત્યાર સુધીમાં કુલ 2639 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે. ફૈઝલ એદીએ માછીમારોના પરિવારોને તેમની લાંબી કેદ દરમિયાન થયેલી પીડાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને તેમની સજા પૂર્ણ થયા પછી તેમની તાત્કાલિક મુક્તિ અને વહેલી તકે પરત ફરવાની હાકલ કરી હતી. પાકિસ્તાની સત્તાવાળાઓ ભારતીય માછીમારોને વાઘા સરહદ પર લઈ જાય છે જ્યાં ભારતીય સત્તાવાળાઓ સત્તાવાર ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેમના પરત ફરવાની વ્યવસ્થા કરે છે. તેવી જ રીતે, ભારતીય અધિકારીઓ પાકિસ્તાની માછીમારોને વાઘા સરહદ પર લઈ જાય છે, જ્યાં પાકિસ્તાની અધિકારીઓ તેમના પરત ફરવાની વ્યવસ્થા કરે છે.