
તહેરાન/નવી દિલ્હી: ઈરાનમાં વધતા હિંસક પ્રદર્શનો અને અસ્થિરતાના માહોલ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વધતી હિંસા વચ્ચે અમેરિકાએ પણ દખલગીરી કરવાની ધમકી આપ્યા પછી સંકટનું નિર્માણ થઈ શકે છે. જોકે, ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેલા તમામ ભારતીયોને જેમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત પર્યટકો પણ આવી જાય છે તેમને પણ ઉપલબ્ધ પરિવહનના માધ્યમો દ્વારા તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનની બદલાતી સુરક્ષા સ્થિતિ કરતા આ એડવાઈઝરી જારી કરી છે.
ભારતીય નાગરિકોની સુરક્ષા માટે જાહેર થઈ એડવાઈઝરી
ઈરાનમાં અત્યારે સરકાર વિરોધી પ્રદર્શનો તીવ્ર બની રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ અમેરિકા દ્વારા ઈરાનમાં આર્મી મુકલાની પણ ચેતાવણી આપવામાં આવી છે. જેના કારણે તણાવ વધારે વધી રહ્યો છે. ઈરાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કુલ 2500થી પણ વધુ લોકોના મોત થયાના અહેવાલો મળ્યાં છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ભારતીય નાગરિકોને સત્વરે ઈરાન દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.
તહેરાન સહિત અનેક શહેરોમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત
ઈરાનમાં તહેરાન સહિત અન્ય શહેરોમાં હિંસા વધારે વિકરાળ બની છે, જેના કારણે સરકાર દ્વારા ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ અમેરિકા સાથે વધતા તણાવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની ધમકી પણ આપી છે. આવી સ્થિતિમાં યુદ્ધના ભણકાર વર્તાઈ રહ્યાં છે.
ભારતીયો પોતાના પાસપોર્ટ અને ટ્રાવેલ દસ્તાવેજો તૈયાર રાખે
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી પ્રમાણે, તમામ ભારતીય નાગરિકો અને PIOને વિરોધ ક્ષેત્રો અને ભીડથી દૂર રહેવાની, સ્થાનિક મીડિયા અને દૂતાવાસની વેબસાઈટ-સોશિયલ મીડિયા પર નજર રાખવાની સલાહ આપી છે. આ સાથે પોતાના પાસપોર્ટ અને ટ્રાવેલ દસ્તાવેજો તૈયાર રાખવાનું પણ કહ્યું છે. એટલું જ નહીં, પરંતુ ભારતીય દૂતાવાસ દ્વારા ઈમર્જન્સી હેલ્પલાઈન્સ પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. રેસિડન્ટ વીઝા પર રહેનાર ભારતીયોએ સત્વરે ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી લેવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીયોએ દૂતાવાસમાં તરત નોંધણી કરાવવાની કરી અપીલ
ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન્સ જાહેર કર્યાં છે. જેમાં નંબર સાથે સત્તાવાર ઇમેઇલ આઈડી શેર કરવામાં આવ્યા છે. જે ભારતીયોએ હજુ સુધી દૂતાવાસમાં નોંધણી કરાવી નથી તેમને વિદેશ મંત્રાલયના ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવી છે, અને જો ઈરાનમાં ઇન્ટરનેટ ઍક્સેસ ખોરવાઈ જાય તો ભારતમાં રહેતા પરિવારોને તેમના વતી નોંધણી પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા પણ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભારતીય વિદેશ મંત્રાલય (MEA) દ્વારા ઈરાનમાં નોન-એસેન્શિયલ ટ્રાવેલ ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં રહેલા ભારતીયોને અત્યંત સાવચેતી બરતવાની અને પ્રદર્શન સ્થળોથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે. ઈરાનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ, વેપારીઓ અને તીર્થયાત્રીઓ છે. પરિસ્થિતિ વધુ બગડવાની આશંકા વચ્ચે દૂતાવાસે તાત્કાલિક ઈરાન છોડી દેવા માટે કહ્યું છે. આ સાથે ઈરાનમાં રહેતા તમામ ભારતીયોને દૂતાવાસના સંપર્કમાં રહેવાનું અને સુરક્ષા માટે તૈયાર રહેવાનું કહ્યું છે.



