નેશનલ

યુએસમાં ગેરકાયદે રહેતાં ભારતીયોને હાથકડી-સાંકળ બાંધીને મોકલાવાયા? કારણ જાણીને ચોંકી ઉઠશો…

ગયા શનિવારે જ અમેરિકાએ ગેરકાયદે વસેલાં ભારતીય નાગરિકોનો બીજો બેચ ભારત મોકલાવ્યો અને આ વખતે પણ 117 નાગરિકોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને મોકલવામાં આવતા આ મામલે સોશિયલ મીડિયા પર ફરી એક વખત હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર અમેરિકાએ આ રીતે હાથકડી અને સાંકળ બાંધીને નાગરિકોને ભારત મોકલાવવા બાબતે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અમેરિકામાં ગેરકાયદે વસેલાં અને બીજા બેચમાં પાછા ફરેલા નાગરિકે આ પાછળનું કારણ જણાવ્યું હતું. આ કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો-

ભારતના કપુરથલા જિલ્લાના બોલ્ટાહના સુર્ખા ગામના રહેવાસી 25 વર્ષીય મનદીપ સિંહે જણાવ્યું હતું કે 66 કલાકની આ મુસાફરી ખરેખર નરકની યાતના સમાન હતી. પાછા ફરેલાં 117 ભારતીયોમાંથી મોટાભાગના પુરુષો હતા, જેમને હાથકડી અને સાંકળ પહેરાવવામાં આવી હતી. પરંતુ આ હાથકડી અને સાંકળ અમારા બધાની સુરક્ષા માટે જરૂરી હતા. ડિપ્રેશન, ગુસ્સા અને હતાશામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે આવું કરવું ખૂબ જ મહત્ત્વનું હતું.

આગળ આ યુવકે એવું પણ જણાવ્યું હતું તે અમેરિકામાં ખૂબ જ સામાન્ય છે અને તેઓ તેમના કાયદાનું પાલન કરી રહ્યા હતા. અધિકારીઓ તેમની ફરજનું પાલન કરી રહ્યા હતા. મને જ્યારે હાથકડી અને સાંકળથી બાંધવામાં આવ્યો ત્યારે મને ખરાબ લાગ્યું. પરંતુ બાદમાં તેમણે મને સમજાવ્યું કે આ બધાની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. અમે લોકો સારી સ્થિતિમાં નહોતા. માનસિક સંતુલન ખોરવાયેલું હતું.

આ પણ વાંચો : અમેરિકાએ ડિપોર્ટ કરેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા; અત્યાર સુધી 78 ગુજરાતીઓને કરાયા ડિપોર્ટ

મનદીપે એવું પણ જણાવ્યું હતું કે તાણ અને ડિપ્રેશનને કારણે કરો યા મરોની સ્થિતિ ઊભી થઈ હતી. આવી સ્થિતિમાં કંઈ પણ બની શકે છે એટલે અમેરિકન અધિકારીઓએ અમને હાથકડી અને સાંકળથી બાંધીને ભારત મોકલાવ્યા હતા. જ્યારે હું અમેરિકા ગયો ત્યારે મારી આંખોમાં ઘણા સપના હતા, પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું આ રીતે ગુગનેગારની જેમ મારા પાછો દેશ ફરીશ.

સોશિયલ મીડિયા પર એક વર્ગ છે કે જે અમેરિકાના આ રીતે ભારતીય નાગરિકોને હાથકડી અને સાંકળ સાથે બાંધીને પાછા મોકલાવવા અંગે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને અમેરિકાના આ પગલાને અમાનુષી ગણાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button