Indian Coast Guardની અરબી સમુદ્રમાં જોરદાર ધાકઃ એક વર્ષમાં એક કેસ પણ…
મુંબઈઃ વીતેલા વર્ષ ૨૦૨૩માં કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા અરબી સમુદ્ર પર કડક દેખરેખ અને સઘન તપાસ હાથ ધરી હોવાથી માત્ર એક જ ડ્રગની દાણચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં ૪૭૭ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની સ્થાપના પછી પહેલીવાર પશ્ચિમી સમુદ્ર વિસ્તારમાં આટલી ઓછી દાણચોરી થઈ છે.
પહેલી ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડ ડે નિમિત્તે આ બાબત મહત્વપૂર્ણ બની જાય છે. કોસ્ટ ગાર્ડને ૧ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ દેશના દરિયાકાંઠાથી ૧૨ નોટિકલ માઈલ સુધીના દરિયાની દેખરેખ રાખવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૭૭માં દળ કાર્યરત થતાં ૧૯૭૮થી પશ્ચિમ સમુદ્ર ક્ષેત્રમાં આ દળના વિવિધ વિભાગોની સ્થાપના કરવામાં આવી. અહેવાલ મુજબ ૧૯૭૮થી ૨૦૨૩ની વચ્ચે પશ્ચિમ સમુદ્ર ક્ષેત્રમાં કુલ ૧૫ હજાર ૩૪૩.૦૪ કરોડનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ૨૦૨૩માં આ આંકડો ૪૭૭.૯૬ કરોડ રૂપિયા હતો.
ફોર્સના પશ્ચિમી ક્ષેત્રના ઇન્સ્પેક્ટર જનરલ ભીષ્મ કુમારે જણાવ્યું હતું કે, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યું છે, ત્યારથી પાકિસ્તાન દ્વારા ગુજરાત અને ત્યાંથી પશ્ચિમ કિનારે અરબી સમુદ્રમાં ડ્રગ્સની દાણચોરીના પ્રયાસો વધ્યા છે. જો કે, ૨૦૨૩માં કોસ્ટ ગાર્ડે સર્વેલન્સની પદ્ધતિમાં ફેરફાર કર્યો અને અન્ય એજન્સીઓ પાસેથી ગુપ્ત માહિતીની આપ-લે સતત શરૂ થતાં, સમગ્ર વર્ષમાં દાણચોરીની માત્ર એક જ ઘટના બની.
આ ઉપરાંત કોસ્ટ ગાર્ડના પશ્ચિમ ઝોને ૧૯૭૮ થી ૨૦૨૩ દરમિયાન ૩ લાખ ૩૧ હજાર ૫૪૮ વખત વિવિધ શંકાસ્પદ બોટનું નિરીક્ષણ કર્યું હતું. ૨૦૨૩માં આ આંકડો ૨૮ હજાર ૧૬૯ હતો. ૨૦૨૩ સુધીમાં ૧,૬૦૪ વિદેશી માછીમારી બોટ સહિત ૧૩,૬૧૩ વિદેશી માછીમારો ભારતના સાર્વભૌમ વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર માં પ્રવેશ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર ૨૦૨૩ માં આ આંકડો અનુક્રમે ૭ અને ૬૩ હતો.