ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન, ચેન્નઈમાં લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હીઃ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલને ચેન્નઈમાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેમનું નિધન થયું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે એક કાર્યક્રમમાં હતા ત્યારે હાર્ટ એટેક આવ્યા પછી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની સાથે નવી સુવિધાના ઉદ્ધાટનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ પાલને જુલાઈ, 2023માં ભારતીય તટરક્ષક (કોસ્ટ ગાર્ડ)ના આઈસીજીના પચ્ચીસમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આઈએનએસ અડયારમાં તેમના હાર્ટમાં દુખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી, ત્યારે તેમની સાથે રાજનાથ સિંહની ચેન્નઈ ટૂર અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. આજે બપોરના અઢી વાગ્યાના સુમારે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલ (આરજીજીજીએચ)માં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
રાકેશ પાલ ભારતીય નૌકાદળની એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને જાન્યુઆરી 1989માં ભારતીય તટરક્ષક દળમાં સામેલ થયા હતા. 35 વર્ષની કારકિર્દીમાં ફ્લેગ ઓફિસર તરીકે અનેક હોદ્દા પર કામગીરી કરી હતી, જેમાં કમાન્ડર તટરક્ષક દળ (ઉત્તર પશ્ચિમ), ગાંધીનગર ડેપ્યુટી ડાયરેક્ટ જનરલ (નીતિ અને યોજના), નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તટરક્ષકમાં સામેલ હતા.