નેશનલ

ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદે ઘૂસતા 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા, એજન્સી એક્શનમાં

ભુજ: અરબ સાગરમાં ભારતની દરિયાઈ સીમામાં પ્રવેશતા 11 પાકિસ્તાની માછીમારની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ પાકિસ્તાનીઓ ‘અલી વાલી’ નામની બોટમાં સવાર હતા. જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને માછીમારો હોવાનું જણાવ્યું હતું. જો કે, કોઈ પણ પ્રકારની પરવાનગી વિના આ લોકો ભારતની દરિયાઈ સીમામાં આવ્યાં હોવાથી ભારતીય કોસ્ટ ગાર્ડે તેમની ધરપકડ કરી લીધી હતી. હવે તેમની સામે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પાકિસ્તાની માછીમારને પૂછપરછ માટે જખૌ લઈ જવાયા

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ 11 પાકિસ્તાની નાગરિકોની જખૌ બંદર પર વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. જે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી બે સગીર હોવાનું પણ જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાના કારણે આ પાકિસ્તાનીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડની હાઇ-સ્પીડ ઇન્ટરસેપ્ટર બોટ C-437 એ પાકિસ્તાની બોટને ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ કરતા ઝડપી પાડી હતી. આ લોકો સાથે પહેલી સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવશે કે આ ખરેખર માછીમારો જ છે કે પછી બીજું કોઈ? અત્યારે તેમનો જખૌ બંદર પર રાખવામાં આવ્યાં છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ સતત સમુદ્રમાં બાજ નજર રાખે છે

ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયામાં બાજની જેમ નજર રાખીને ભારતની દરિયાઈ સીમાનું રક્ષણ કરે છે. C-437 ઇન્ટરસેપ્ટર બોટને 2018માં દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે કાર્યરત કરવામાં આવી હતી. તેના દ્વારા સતત દરિયાઈ સીમા પર નજર રાખી રાખવામાં આવી રહી છે. C-437 ઇન્ટરસેપ્ટર બોટ 83 કિમી પ્રતિકલાકની ઝડપે સમુદ્રમાં દોડવા માટે સક્ષમ છે. C-437 ઇન્ટરસેપ્ટર બોટમાં અત્યાધુનિક નેવિગેશન અને સંચાર માટેના ઉપકરણો લાગેલા છે. આ બોટે પહેલા પણ પાકિસ્તાનીઓને ભારતીય દરિયાઈ સીમામાંથી ઝડપેલા છે.

C-437 ઇન્ટરસેપ્ટર બોટની મહત્વની ભૂમિકા

C-437 ઇન્ટરસેપ્ટર બોટની વાત કરવામાં આવે તો 2024માં પણ મીઠાપુર બંદર નજીક બેભાન માછીમારને બચાવવામાં અને ડિસેમ્બર 2021માં પાકિસ્તાની બોટમાંથી હેરોઈન જપ્ત કરવા જેવા મહત્વપૂર્ણ ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. C-437 ઇન્ટરસેપ્ટર બોટ સમુદ્રમાં હોય તો પાકિસ્તાનીઓની હિંમત નથી કે તેઓ ભારતીય દરમિયાન સીમામાં પ્રવેશે કરી શકે. આજે પણ આ જ બોટ દ્વારા 11 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button